રાજપીપળામાં યુવાનની હત્યાના કેસમાં પ્રેમિકા અને બીજા પ્રેમીને આજીવન કેદ
યુવાનને શરીર સંબંધ બાંધવા બોલાવ્યા બાદ પ્રેમિકાએ બીજા પ્રેમી સાથે મળી હત્યા કરી લાશ દાટી દીધી હતી
રાજપીપલા તા.૧૬ રાજપીપળામાં વાઘેથા ગામે પ્રેમીને શરીર સંબંધ બાંધવા બોલાવી બીજા પ્રેમી સાથે મળી ૪ વર્ષ પહેલા કરાયેલી હત્યાના બનાવમાં નર્મદા કોર્ટે પ્રેમિકા અને તેના બીજા પ્રેમીને આજીવન કેદની સજા ફટકારી છે.
રાજપીપળાનો પરિણીત યુવાન સુનિલ ઉમંગ વસાવા ૧૫મી ફેબુ્રઆરી ૨૦૨૦ના રોજ હું મારા મિત્રને મળી થોડીવારમાં આવું છું એમ કહી એક્ટિવા પર નીકળ્યા બાદ તે લાપત્તા થઇ ગયો હતો. બીજા દિવસે સવારે તેની એક્ટિવા રાજપીપળા એસટી ડેપો પરથી મળી હતી અને બાદમાં તેની લાશ નાંદોદ તાલુકાના વાઘેથા ગામના એક ખેતરમાંથી મળી હતી.
રાજપીપળા પોલીસે શહેરના સીસીટીવી ફૂટેજ ચેક કરતા તા.૧૫મીની મોડીરાત્રે અજાણ્યો યુવાન અને યુવતી રાજપીપળા એસટી ડેપો પર એક્ટિવા મૂકતા જણાયા હતા. પોલીસે શંકાના આધારે સીસીટીવી ફૂટેજમાં દેખાતા વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના દામાપુરા ગામના અને હાલ નાંદોદ તાલુકાના વાઘેથા ગામમાં રહેતા જયદીપસિંહ બળવંતસિંહ માંગરોલા અને ૩ મહિનાથી એની સાથે રહેતી વાઘેથા ગામની યુવતી નયના ગોવિંદ વસાવાને ઝડપી ઉલટ તપાસ હાથ ધરી હતી.
નયના અને સુનિલ વચ્ચે આડાસબંધ હતા જેથી તેની પાસે પૈસા પડાવવાનો પ્લાન બનાવી જયદીપ સાથે નૈનાએ કાવતરું રચી સુનિલને ફોન કરી તા.૧૫મીએ રાત્રે શારીરિક સંબંધ બાંધવા બોલાવ્યો હતો. રાત્રે સુનિલ-નૈના ખેતરમાં એકાંત માણતા હતા ત્યારે નૈનાના સાથીદાર જયદીપસિંહે પાછળથી સુનિલને માથામાં પથ્થર મારી બેભાન કરી દોરી વડે ગળે ટૂંપો આપી મારી નાખ્યો હતો, અને એના ખિસ્સામાંથી ૬૦૦ રુપિયા કાઢી લઈ ઝાડી ઝાંખરાવાળી કોતરમાં ઊંડો ખાડો ખોડી લાશ દાટી દીધી હતી. એ બાદ સુનિલની એક્ટિવા રાજપીપળા એસટી ડેપોએ મૂકી તેનો મોબાઈલ વચ્ચે આવતી નદીમાં ફેંકી દીધો હતો.
હત્યાનો આ કેસ નર્મદા ડિસ્ટ્રિકટ એન્ડ સેશન્સ જજ એન.એસ.સિદ્દીકીની કોર્ટમાં ચાલી ગયો હતો. મદદનીશ સરકારી વકીલ પ્રવિનકુમાર પરમારની દલીલો અને પુરાવા ગ્રાહ્ય રાખી કોર્ટે નયના અને તેના બીજા પ્રેમી જયદીપસિંહને આજીવેન કેદની સજાનો હુકમ કર્યો હતો.