ઓનલાઇન ગેમમાં યુવતી ઉતરાખંડના યુવક સાથે લગ્નની જીદે ચડી, ભાવી સાસુએ કહ્યું પહાડ પર રહેવું પડશે
Vadodara News : ઓનલાઇન ગેમ દરમિયાન પરપ્રાંતીય યુવકના સંપર્કમાં આવેલી યુવતી લગ્નની જીદે ચડતા તેને સમજાવવા માટે અભયમની મદદ લેવામાં આવી હતી.
વડોદરાની એક હોટલમાં નોકરી કરતી યુવતી તેની સાથે નોકરી કરતા ઉત્તરાખંડના યુવકના સંપર્કમાં આવી હતી અને બંને ઓનલાઇન ગેમ રમી ચેટિંગ કરતા હતા. જે દરમિયાન બંને વચ્ચે પ્રેમ થઈ જતા યુવતી લગ્નની જીદે ચડી છે.
કુક તરીકે કામ કરતો યુવક વડોદરા છોડી ઉતરાખંડ ચાલ્યો ગયો છે ત્યારે યુવતી તેની સાથે લગ્ન કરી ઉત્તરાખંડ જવા તૈયાર થઈ છે. પરંતુ યુવતીના પરિવારજનો આ લગ્ન સ્વીકારવા તૈયાર નથી. યુવક પણ તેના મા-બાપને લઈને વડોદરા મળવા આવવાનું કહી રહ્યો છે. તો બીજી તરફ યુવતીની ભાભી ઘર છોડવાની ધમકી આપી રહી છે.
આવા માહોલ વચ્ચે યુવકની પરપ્રાંતીય માતાએ યુવતીને કહ્યું છે કે, તારે લગ્ન કરવા હશે તો અહીં પહાડ પર રહેવાની તૈયારી રાખવી પડશે. આમ છતાં યુવતી આ લગ્ન માટે જીદ છોડતી નહી હોવાથી આખરે પરિવારજનોએ અભયમની મદદ લીધી હતી. અભયમ દ્વારા અસરકારક કાઉન્સિલિંગ કર્યા બાદ હાલ પૂરતી યુવતી જીદ છોડવા તૈયાર થઈ છે.