વાઘોડિયા જીઆઇડીસીનો પ્લોટ વેચાણના બહાને પડાવી લીધો
જીઆઇડીસી કચેરીમાં પણ બોગસ સહિઓ કરી પ્લોટ પોતાના નામે કરી દીધો
વડોદરા, તા.20 વાઘોડિયા જીઆઇડીસીના પ્લોટના બોગસ દસ્તાવેજો બનાવી બારોબાર પચાવી પાડનાર મુંબઇના શખ્સ સહિત પાંચ ભેજાબાજો સામે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.
વડોદરાના તાંદલજા વિસ્તારમાં તબસ્સુમપાર્ક સોસાયટીમાં રહેતા શાહબુદ્દીન અકબરઅલી સૈયદે મુંબઇના જોગેશ્વરી વેસ્ટ ખાતે આઇશા ટાવરમાં રહેતા ઐયુબ ખાલીદ ખત્રી, તેમના વડોદરામાં આજવારોડ વિસ્તારની ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં રહેતા બે ભાણીયાઓ ફૈજલ હનીફ ખત્રી, ફારુક હનીફ ખત્રી તેમજ ભાવીન તંબોલી, સોહેલ મોહંમદ આરીફ મન્સુરી સામે વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
આ ફરિયાદમાં જણાવ્યું છે કે મારા પિતાએ વર્ષ-૨૦૦૭માં વાઘોડિયા જીઆઇડીસીમાં ૧૪૮૨ ચો.મી.નો પ્લોટ ખરીદ્યો હતો. મારા પિતાનું અવસાન થયા બાદ પ્લોટ મારા નામે કરાવવા માટે જીઆઇડીસીની કચેરીમાં અરજી કરી હતી પરંતુ પ્લોટમાં નિયમ મુજબ બાંધકામ નહી હોવાથી નામંજૂર થયું હતું. બાદમાં આ પ્લોટ વેચાણ માટે નક્કી કર્યો હતો અને ઐયુબ ખત્રીએ પ્લોટ જોયા બાદ તેમને પસંદ પડતાં રૃા.૮૩ લાખમાં વેચાણ કરવાનું નક્કી કરી રૃા.૨૫ લાખ રોકડા આપ્યા હતાં.
થોડા સમય બાદ ઐયુબ તેમજ અન્ય સાગરીતોએ મારી બોગસ સહિ કરીને જીઆઇડીસીની કચેરીમાંથી પ્લોટમાં નામ ટ્રાન્સફર કરાવી લીધું હતું અને મને વધારાની રકમ પણ ચૂકવી ન હતી. આ અંગેની જાણ મને થતાં ઐયુબને મેં કહેતા તેમણે હું મુંબઇથી વડોદરા આવું ત્યારે નિકાલ કરું છું તેમ કહ્યું હતું પરંતુ કોઇ નિરાકરણ આવ્યું ન હતું.