જી.આઇ.ડી.સી. રોડ પર પતંગની દોરીથી બાઇક સવારનું ગળું કપાયું
બાઇક સવાર દવા લઇને ઘરે પરત જતા હતા
વડોદરા,દવાખાને દવા લઇને ઘરે પરત જતા સમયે પતંગની દોરી ગળામાં ભરાઇ જતા બાઇક સવાર આધેડને ગળાના ભાગે ગંભીર ઇજા થતા સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
તરસાલી સાંઇબાબા મંદિરની સામે કલ્યાણનગરમાં રહેતા ૪૨ વર્ષના વિપુલભાઇ શાંતિલાલ પટેલ એપોલો કંપનીમાં નોકરી કરે છે. તબિયત સારી નહીં હોવાથી તેઓ નોકરી પર ગયા નહતા. આજે બપોરે તેઓ દવાખાને દવા લઇને ઘરે પરત આવતા હતા. તે દરમિયાન પોણા એક વાગ્યે મકરપુરા જી.આઇ.ડી.સી. મેન રોડ પર અચાનક પતંગની દોરી ગળામાં ભરાઇ જતા તેઓ બાઇક પરથી નીચે પટકાયા હતા. લોહીલુહાણ હાલતમાં તેઓને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેઓની હાલત સુધારા પર હોવાનું જાણવા મળ્યું છે.