આજે કાળી ચૌદશે ડભોડા હનુમાન મંદિરે લાખ્ખો ભક્તોનું ઘોડાપુર
મહાઆરતી અને કાળા દોરાનું ખાસ મહત્વ
મહૂડીમાં ઘંટાકર્ણ મહાવિરનું પણ વિશેષ પૂજન,હોમ સહિતના ધાર્મિક કાર્યક્રમોઃરજાના કારણે મંદિરોમાં ભારે ભીડ રહેશે
ચમત્કારિક ડભોડા હનુમાન મંદિરે દર વર્ષે ધનતેરસ અને
કાળીચૌદશનો મેળો ભરાય છે. ત્યારે ડભોડિયા હનુમાન મંદિરે ધનતેરસ-કાળી ચૌદશ એમ બે
દિવસ મેળો શરૃ થઇ ગયો છે. આ માટે મંદિર
ટ્રસ્ટ દ્વારા વિશેષ આયોજન પણ કર્યું છે. એક અંદાજ પ્રમાણે, ચારથી પાંચ લાખ
ભક્તો આ બે દિવસો દરમ્યાન ઉમટશે. જેના માટે યોગ્ય વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે.
તો બીજીબાજુ ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. મંદિર કાળી ચૌદશે રાત્રે
બાર વાગ્યા સુધી ખુલ્લુ રહેશે અને ભક્તો દર્શન કરી શકશે.
આવી જ રીતે મહૂડી ખાતે પણ ઘંટાકર્ણ મહાવિરના દર્શન માટે જૈન-જૈનેતર ઉમટતા હોય છે. અહીં આ દિવસે વિશેષ પૂજન કરવામાં આવે છે આ સાથે હોમ પણ અહીં કરવામાં આવશે. તો ચમત્કારિક ગુપ્ત મંત્રની ૧૦૮ ગાંઠવાળી નાળાછડીનું પણ મહત્વ છે. તો ડભોડામાં કાળા દોરાનું મહત્વ છે. શનિવાર-રજા અને કાળીચૌદશ એમ ત્રણ સંયોગો ભેગા થવાને કારણે ગાંધીનગરના હનુમાન મંદિરોમાં ભક્તોની ભારે ભીડ રહેશે.