ગુજરાતમાં વીજ વિતરણના માળખા પાછળ ૯૬૦૦૦ કરોડનો ખર્ચ કરાશે
વડોદરાઃ જેટકો(ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કંપની) આગામી આઠ વર્ષમાં વીજળી સપ્લાય કરવા માટેના માળખાના વિસ્તરણ માટે ગુજરાતમાં ૯૬૦૦૦ કરોડ રુપિયાનો ખર્ચ કરશે.
વીજ કંપનીના સૂત્રોનુ કહેવુ છે કે, ગુજરાતમાં રિન્યૂએબલ એનર્જીની ક્ષમતા વધારવા માટે વિન્ડ એનર્જી અને સોલર એનર્જીના સંખ્યાબંધ પ્રોજેકટ પર કામ થઈ રહ્યુ છે.આ પૈકીના મોટાભાગના પ્રોજેકટ કચ્છ, ઉત્તર ગુજરાતના અંતરિયાળ વિસ્તારોમાં છે.જ્યારે વીજળીની સૌથી વધારે ખપત અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત જેવા શહેરોમાં છે.આમ જ્યાં પવન ચક્કી અને સોલર પેનલ થકી વીજળીનુ ઉત્પાદન થઈ રહ્યુ છે તેવા વિસ્તારોમાંથી વીજળીનો વપરાશ વધારે થાય છે તેવા વિસ્તારોમાં વીજળી પહોંચડવા માટે નવી વીજ લાઈનો નાંખવા સહિતનુ માળખુ ઉભુ કરવાની યોજના છે.
અત્યારે જેટકો દર વર્ષે માળખાકીય સુવિધાઓ માટે ૪૦૦૦ કરોડ રુપિયાનો ખર્ચ કરે છે અને ગુજરાતની વીજ ઉત્પાદનની ક્ષમતા વધવાના કારણે આગામી આઠ વર્ષમાં વીજ વિતરણમુ માળખુ ઉભુ કરવાના ખર્ચમાં ભારે વધારો થશે.જેટકો એમ પણ ગુજરાત સરકારની નફો કરતી કંપની છે અને સરકાર અત્યારે વીજ વિતરણના માળખાના વિસ્તરણ માટેના પ્રોજેકટસ માટે ભંડોળ ઉભુ કરવા માટેની શક્યતાઓની ચકાસણી શરુ કરી છે.
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ ગુજરાતને વિન્ડ એનર્જી એટલે કે પવન ચક્કી થકી વીજ ઉત્પાદનની ક્ષમતામાં નંબર વન રાજ્યનો એવોર્ડ મળ્યો છે. વર્તમાનમાં ગુજરાતની પવન ચક્કી થકી વીજ ઉત્પાદનની ક્ષમતા ૧૧૮૨૩ મેગાવોટ અને સોલર એનર્જી થકી વીજ ઉત્પાદનની ક્ષમતા ૧૪૧૮૨ મેગાવોટ પર પહોંચી છે. બંનેનો સરવાળો કરવામાં આવે તો રાજ્યની રિન્યૂએબલ એનર્જીની કુલ ક્ષમતા અત્યારે ૨૬૦૦૦ મેગાવોટ જેટલી છે.
સ્ટોર કરેલી વીજળીનો ઉપયોગ પીક અવર્સમાં કરાશે
૫૦૦ મેગાવોટ વીજળી સ્ટોર કરવા માટેના બે પ્રોજેકટ પણ મંજૂર કરાયા
સાથે સાથે વીજ કંપનીએ વીજળી સ્ટોરેજ માટેના બે પ્રોજેકટને પણ લીલી ઝંડી આપી દીધી છે.તાજેતરમાં જ તેના માટે ટેન્ડરો બહાર પાડવામાં આવ્યા હતા.બેટરી આધારિત વીજ સ્ટોરેજના દરેક પ્રોજેકટની ક્ષમતા ૨૫૦ મેગાવોટની છે. આ માટે બે કંપનીઓને કોન્ટ્રાક્ટ અપાયો છે.જેના ભાગરુપે ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ દર મહિને દરેક મેગાવોટ દીઠ ૪.૪૮ લાખ રુપિયા એક પ્રોજેકટ માટે અને ૩.૭૩ લાખ રુપિયા બીજા પ્રોજેકટ માટે ચૂકવશે.બેટરી સ્ટોરેજ સિસ્ટમનુ કંપનીઓએ એ રીતે સંચાલન કરવાનુ રહેશે કે જેનાથી સ્ટોરેજ દરમિયાન થતો ઈલેક્ટ્રિસિટી લોસ ૧૫ ટકાથી વધે નહીં.સ્ટોરેજ કરનાર કંપનીઓ સવારે બે કલાક અને સાંજે બે કલાક એમ પીક અવર્સમાં આ સ્ટોરેજ સિસ્ટમમાંથી જીયુવીએનએલને વીજ સપ્લાય કરશે.સત્તાધીશોનો દાવો છે કે, ગેસ આધારિત પાવર પ્લાન્ટમાં થતા વીજ ઉત્પાદન કરતા બેટરી સ્ટોરેજ સિસ્ટમથી થતો વીજ સપ્લાય સસ્તો પડશે તેમજ વીજ સપ્લાયને ગમે ત્યારે રોકવાનો અને ચાલુ કરવાનો વિકલ્પ પણ મળશે.
સાત વર્ષમાં રિન્યૂએબલ એનર્જીની ક્ષમતા ૭૩૨૪૫ મેગાવોટ થશે
વીજ કંપનીના દાવા અનુસાર આગામી સાત વર્ષમાં એટલે કે ૨૦૩૦-૩૧ના વર્ષ સુધીમાં પવન ચક્કી થકી વીજ ઉત્પાદનની ક્ષમતામાં ૨૨૪૫૬ મેગાવોટનો અને સોલાર એનર્જી થકી વીજ ઉત્પાદનની ક્ષમતામાં ૨૪૬૯૪ મેગાવોટનો વધારો કરવાનુ લક્ષ્યાંક છે.આમ ૨૦૩૦ સુધીમાં ગુજરાતની રિન્યૂએબલ એનર્જીની ક્ષમતા ૭૩૨૪૫ મેગાવોટ પર પહોંચવાનુ અનુમાન છે.જેના કારણે ગુજરાતની થર્મલ પાવર આધારિત વીજળી પરની નિર્ભરતા ઘટશે.સાથે સાથે હાઈડ્રો પાવર પ્રોજેકટ થકી વીજ ઉત્પાદનની ક્ષમતામાં બીજા ૧૬૨૦ મેગાવોટનો અને થર્મલ પાવર પ્લાન્ટસ થકી વીજ ઉત્પાદનની ક્ષમતામાં બીજા ૨૪૫૮ મેગાવોટનો ઉમેરો આગામી પાંચ વર્ષમાં કરવાની પણ યોજના છે.