Get The App

ગુજરાત સરકારની વીજ કંપની જેટકો દ્વારા પબ્લિક ઈશ્યૂ લાવવા કવાયત

Updated: Jan 3rd, 2024


Google NewsGoogle News
ગુજરાત સરકારની વીજ કંપની જેટકો દ્વારા પબ્લિક ઈશ્યૂ લાવવા કવાયત 1 - image

વડોદરાઃ ગુજરાત સરકારની વીજ કંપની જેટકો( ગુજરાત એનર્જી એન્ડ ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ)દ્વારા હવે ભંડોળ ઉભુ કરવા માટે પબ્લિક ઈશ્યૂ લાવવાની તૈયારી શરુ કરવામાં આવી છે.ગુજરાત સરકારે પણ આ પ્રસ્તાવને પ્રાથમિક તબક્કે લીલી ઝંડી આપી હોવાનુ જાણવા મળ્યુ છે.

મળતી વિગતો પ્રમાણે રાજ્ય સરકારના એનર્જી એન્ડ પેટ્રોકેમિકલ વિભાગ દ્વારા ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટિડના મેનેજિંગ ડિરેકટરને એક પત્ર લખવામાં આવ્યો છે.આ પત્રમાં કહેવાામં આવ્યુ છે કે, ટ્રાન્સમિશન નેટવર્કના વિસ્તરણ માટે ભંડોળ ઉભુ કરવા માટે જેટકોનુ લિસ્ટિંગ કરવાની દરખાસ્ત રાજ્ય સરકારની વિચારણા હેઠળ છે.આ સંદર્ભમાં જીયુવીએનએલ દ્વારા રાજ્ય સરકારને વધારે વિસ્તારપૂર્વકની દરખાસ્ત શક્ય હોય તેટલી વહેલી મોકલવામાં આવે.

વીજ કંપનીની કર્મચારી આલમમાં ચાલી રહેલી ચર્ચા પ્રમાણે જેટકોનુ મુખ્ય કામ વીજ વિતરણ કરતી કંપનીઓને પાવર પ્લાન્ટસમાંથી વીજળી પહોંચાડવાનુ છે.વીજ ગ્રાહકોની સંખ્યામાં થઈ રહેલા સતત વધારાના કારણે જેટકોને પણ નવી ટ્રાન્સમિશન લાઈનો નાંખવાની અને નવા સબ સ્ટેશનો ઉભા કરવાની જરુર પડી રહી છે.એક અંદાજ પ્રમાણે જેટકોને દર વર્ષે ૪૦૦૦ કરોડ રુપિયાની (કેપિટલ એક્સ્પેન્ડિચર)જરુર પડે છે.આ સંજોગોમાં કંપની પબ્લિક ઈશ્યૂ લાવીને લોકો પાસેથી ભંડોળ એકઠુ કરવાની યોજના બનાવી રહી છે.

કંપનીના અધિકારીઓનુ માનવુ છે કે, ગુજરાત સરકારની વીજ કંપનીઓની શાખ સારી હોવાથી પબ્લિક ઈશ્યૂ થકી ભંડોળ ઉભુ કરવામાં વાંધો નહીં આવે.તેના કારણે જેટકોની માર્કેટ કેપમાં પણ વધારો થશે.


Google NewsGoogle News