જેટકોએ એક વર્ષમાં નવા ૬૮ સબ સ્ટેશન બનાવ્યા પણ નવો સ્ટાફ મંજૂર થયો નથી
વડોદરાઃ રાજ્ય સરકારની વીજ કંપની જેટકો( ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન)દ્વારા છેલ્લા એક વર્ષમાં ૬૬ કેવીના ૬૦ અને ૨૨૦ કેવીના ૮ સબ સ્ટેશન બનાવવામાં આવ્યા છે પણ તેના માટે જરુરી ૧૦૦૦ એન્જિનિયરો અને લાઈન મેનોનો નવો સ્ટાફ મંજૂર કરવામાં આવ્યો નથી તેવું વીજ કંપનીના એન્જિનિયરોના સંગઠન જીબીઆ( જીઈબી એન્જિનિયર્સ એસોસિએશન)નું કહેવું છે.
સંગઠનના આગેવાનોએ કહ્યું હતું કે, નવા સબ સ્ટેશનોના સંચાલનનું ભારણ વર્તમાન સબ સ્ટેશનોનું સંચાલન કરતા એન્જિનિયરો પર આવી રહ્યું છે અથવા તો આઉટસોર્સિંગથી સબ સ્ટેશનો ચલાવવામાં આવી રહ્યા છે.જેટકોના એન્જિનિયરો પર કામનું ભારણ વધી રહ્યું છે અને આમ છતા જેટકોના સત્તાધીશો એન્જિનિયરોને કારણદર્શક નોટિસ આપ્યા વગર અને તમામ કેસને એક સરખા ગણીને સસ્પેન્ડ કરી દે છે.કંપની દ્વારા નિયત સમય મર્યાદામાં ઈન્કવાયરી પણ કરવામાં આવતી નથી.જેના કારણે એન્જિનિયરો ભારે તણાવ હેઠળ નોકરી કરી રહ્યા છે.તાજેતરમાં ભરુચમાં એક ટાવર તુટવાના કારણે લાઈન મેનનું દુખદ મોત થયું હતું.આ સમગ્ર મામલો મિકેનિકલ ફેલ્યોરનો હોવા છતા જેટકોના બે એન્જિનિયરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.અન્ય એકની બદલી કરી દેવામાં આવી છે.
જીબીઆના આગેવાનોના કહેવા પ્રમાણે આ મુદ્દે સતત મેનેજમેન્ટને રજૂઆત કરવામાં આવી છે.જો ઉપરોકત ત્રણ એન્જિનિયરોનું સસ્પેન્શન પાછુ ખેંચવા સહિતના બીજા મુદ્દાઓનું નિરાકરણ લાવવામાં નહીં આવે તો સાત દિવસ પછી વર્ક ટુ રુલ પ્રમાણે એન્જિનિયરો આંદોલન કરશે.જે સબ સ્ટેશનોનો વધારાનો હવાલો છે તે પણ એન્જિનિયરો છોડી દેશે.વર્ક ટુ રુલ પ્રમાણે નોકરીના નિયત સમયમાં જ કાર્યવાહી કરવામાં આવશે.તેના કારણે વીજ પુરવઠો ખોરવાશે કે બીજી કોઈ ઘટના બનશે તો તેની જવાબદારી જેટકોના સત્તાધીશોની રહેશે.
એન્જિનિયરોની ૪૭૫ જેટલી જગ્યાઓ ખાલી
જીબીઆનું કહેવું છે કે, અત્યારે જે જગ્યાઓ મંજૂર થયેલી છે તે પૈકી પણ જુનિયર એન્જિનિયરોની ૩૫૦, ડેપ્યુટી એન્જિનિયરોની ૧૦૦ તથા એકઝિક્યુટિવ એન્જિનિયરોની ૨૫ જગ્યાઓ ખાલી છે.તાજેતરમાં જોકે એન્જિનિયરોની ભરતી માટે પરીક્ષાઓ લેવામાં આવી છે.એટલે આ ખાલી જગ્યાઓ તો આગામી દિવસોમાં ભરાશે પણ એક પછી એક બની રહેલા નવા સબ સ્ટેશન માટે નવો સ્ટાફ મંજૂર થઈ રહ્યો નથી અને તેના કારણે મુશ્કેલી પડી રહી છે.આગામી વર્ષોમાં જેટકોના માળખાનું વિસ્તરણ થતું રહેવાનું છે ત્યારે નવી જગ્યાઓને પણ મંજૂરી મળે તે બહું જરુરી છે.