લગ્નના વરઘોડામાં અગાસી પરથી પથ્થરમારો ઃ બંને પક્ષે સાતને ઇજા
વરઘોડામાં સામેલ શખ્સોએ પણ ઘર પર પથ્થરમારો કર્યો ઃ બંને પક્ષોની સામસામે ફરિયાદો
વડોદરા, તા.5 સાવલી તાલુકાના વાંકાનેર ગામમાં લગ્નના વરઘોડામાં થયેલા ઝઘડાની અદાવતમાં એક જૂથે ઘર પર તો બીજા જૂથે ઘરની અગાસી પરથી વરઘોડા પર પથ્થરમારો કરતાં સાત વ્યક્તિને ઇજા થઇ હતી.
વાંકાનેર ગામમાં ગામેચીવગામાં રહેતા સુરેશ ઉર્ફે મોહન પરમારે ગામમાં રહેતાં પિન્ટુ ગગાભાઇ રાઠોડ, સુરેશ વિનુભાઇ રાઠોડ, સાલમસિંહ ઉર્ફે સોમાભાઇ રયજીભાઇ રાઠોડ, અશોક ઉર્ફે અસનો વિનુભાઇ રાઠોડ, કનુ પુજાભાઇ રાઠોડ, નરેન્દ્ર કનુભાઇ રાઠોડ અને જયદિપ હર્ષદ રાઠોડ સામે ભાદરવા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે ગામમાં રહેતા દિલીપસિંહ અરવિંદસિંહ જાદવના પુત્ર રાજેન્દ્રના લગ્ન હોવાથી રાત્રે હું તેમજ પરિવારના સભ્યો જમીને ઘરના ઓટલા પર બેઠા હતાં.
રાત્રે ૧૦ વાગ્યાની આસપાસ ઘર પાસેથી વરઘોડો નીકળ્યો ત્યારે કનુભાઇ, અશોક ઉર્ફે અસનો અને જયદિપ ત્રણે અમે જ્યાં બેઠા હતા ત્યાં આવીને અથડાયા હતાં. મેં તેમને થોડે દૂર જવાનું કહેતાં ત્રણે ઝઘડો કરવા લાગ્યા હતાં. આ વખતે મારા ભાઇ બકાભાઇએ પોલીસને ફોન કરતાં પોલીસ આવી ગઇ હતી અને અમે પોલીસ સ્ટેશને આવીને અરજી આપીને પરત ઘેર જતા રહ્યા હતાં. દરમિયાન વરઘોડો ગામમાં ફરીને પરત ઘર પાસેથી જતો હતો ત્યારે છ માસ જૂના ઝઘડાની અદાવત રાખી ત્રણે શખ્સોએ ઘર પર પથ્થરમારો થતાં અમે બહાર નીકળ્યા હતાં ત્યારે વરઘોડામાંથી પથ્થરમારો થતો હતો જેમાં મારા ભાઇ બકાભાઇ, પુત્રી સ્નેહાલી, કાકાના પુત્ર સુરેશ અને ભત્રીજી ધરતીને પથ્થરો વાગતાં ઇજા થઇ હતી.
સામા પક્ષે ભાનુબેન વિનુભાઇ રાઠોડે પ્રવિણ ઉર્ફે પરેશ શનાભાઇ પરમાર, સુરેશ ઉર્ફે જાફો મોહન પરમાર, રેખા સુરેશભાઇ પરમાર, ઇન્દુબેન વિષ્ણુભાઇ પરમાર, કપિલાબેન કનુભાઇ પરમાર, મહેશ ઉર્ફે છતો સોમાભાઇ પરમાર, પ્રણવ ઉર્ફે મોલિક સુરેશભાઇ પરમાર અને બકા મોહનભાઇ પરમાર સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે ગામમાં વરઘોડો નીકળ્યો હતો અને ગામેચીવગામાંથી પસાર થતો હતો ત્યારે સુરેશભાઇ અને પ્રવિણભાઇના મકાનના ધાબા પરથી વરઘોડા પર ઉપરોક્ત શખ્સોએ પથ્થરમારો કરતાં મારા પતિ વિનુભાઇ, સુરેશભાઇ તેમજ પુત્રી મંજુલાને ઇજા થઇ હતી. ભાદરવા પોલીસે બંને પક્ષોની સામસામે ફરિયાદ નોંધી કારદેસરની કાર્યવાહી હાથ ધરી છે.