રાહદારી વિદ્યાર્થિનીના હાથમાંથી મોબાઇલ ઝૂંટવી ગઠિયા પલાયન

Updated: Jan 2nd, 2024


Google NewsGoogle News
રાહદારી વિદ્યાર્થિનીના હાથમાંથી મોબાઇલ ઝૂંટવી ગઠિયા પલાયન 1 - image


ગાંધીનગરમાં ગઠિયાઓનો વધતો આતંક

હોટલમાંથી જમવાનું લઈને હોસ્ટેલમાં જતી હતી  ત્યારે જ બાઈક ઉપર આવેલા શખ્સોએ ચીલઝડપ કરી લીધી

ગાંધીનગર :  ગાંધીનગર શહેર તેમજ આસપાસના વિસ્તારમાં ગઠિયાઓનો ત્રાસ વધી રહ્યો છે ત્યારે રિલાયન્સ ચાર રસ્તા પાસે હોટલમાંથી જમવાનું લઈને હોસ્ટેલમાં ચાલતી જઈ રહેલી નિફ્ટની વિદ્યાર્થીનીના હાથમાંથી મોબાઇલ ઝૂંટવીને બાઈક ઉપર આવેલા ત્રણ શખ્સો ફરાર થઈ ગયા હતા. જે સંદર્ભે ઇન્ફોસિટી પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરી છે.

પાટનગર ગાંધીનગરમાં છેલ્લા ઘણા સમયથી ચોરી અને ચીલ ઝડપની ઘટનાઓ વધી રહી છે ખાસ કરીને એકલ દોકલ ચાલતા જઈ રહેલા યુવાનો,વૃદ્ધો કે મહિલાઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે.ચેઇન સ્નેચિંગની ઘટનાઓની સાથે મોબાઈલ ઝૂંટવી લેવાના બનાવો પણ વધ્યા છે ત્યારે શહેર નજીક રિલાયન્સ ચાર રસ્તા પાસે ચાલતી જઈ રહેલી નિફ્ટની વિદ્યાર્થીનીના હાથમાંથી મોબાઇલ ઝૂંટવી લેવાની ઘટના પ્રકાશમાં આવી છે. જે અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે મૂળ ઉત્તર પ્રદેશની યુવતી સુનંદા બ્રિજેશ રાય નિફ્ટ કોલેજમાં બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. ગત શનિવારના રોજ તે રિલાયન્સ ચાર રસ્તા પાસેથી રાત્રે જમવાનું લઈને હોસ્ટેલ તરફ જઈ રહી હતી તે દરમિયાન બાઈક ઉપર આવેલા ત્રણ શખ્સો પૈકી પાછળ બેઠેલા શખ્સે તેના હાથમાંથી મોબાઇલ ઝૂંટવી લીધો હતો. જેના પગલે તેણે બૂમાબૂમ કરી હતી પરંતુ આ શખ્સો ઉભા રહ્યા ન હતા. જેથી ગભરાઈને તે હોસ્ટેલમાં પહોંચી હતી અને ત્યારબાદ આ સંદર્ભે ઓનલાઇન ફરિયાદ દાખલ કરતા ઇન્ફોસિટી પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને ગઠિયાઓની શોધખોળ શરૃ કરવામાં આવી છે. પોલીસ દ્વારા આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ પણ ચકાસવામાં આવી રહ્યા છે છેલ્લા ઘણા સમયથી આ વિસ્તારમાં આ પ્રકારની ચીલ ઝડપની ઘટનાઓ વધી રહી છે ત્યારે પોલીસ દ્વારા અહીં ખાસ સર્વેલન્સ ઊભું કરવાની જરૃરિયાત લાગી રહી છે.


Google NewsGoogle News