ચાલતી જઈ રહેલી મહિલાના હાથમાંથી મોબાઇલ ઝૂંટવી ગઠિયા ફરાર

Updated: Dec 19th, 2023


Google NewsGoogle News
ચાલતી જઈ રહેલી મહિલાના હાથમાંથી મોબાઇલ ઝૂંટવી ગઠિયા ફરાર 1 - image


ગાંધીનગરમાં ગઠિયાઓનો વધતો આતંક

પતિ સાથે ફોન ઉપર વાત ચાલી રહી હતી તે દરમિયાન જ મોપેડ ઉપર આવેલા શખ્સોએ ચીલઝડપ કરી લીધી

ગાંધીનગર :  ગાંધીનગર શહેર તેમજ આસપાસના વિસ્તારમાં ગઠિયાઓનો ત્રાસ વધી રહ્યો છે ત્યારે અડાલજના ખોડીયાર ગ્રામ પાસે ચાલતી જઈ રહેલી મહિલાના હાથમાંથી મોબાઇલ ઝૂંટવીને મોપેડ ઉપર આવેલા ત્રણ શખ્સો ફરાર થઈ ગયા હતા. જે સંદર્ભે અડાલજ પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરી છે.

 પાટનગર ગાંધીનગરમાં છેલ્લા ઘણા સમયથી ચોરી અને ચીલ ઝડપની ઘટનાઓ વધી રહી છે ખાસ કરીને એકલદોકલ ચાલતા જઈ રહેલા યુવાનો,વૃદ્ધો કે મહિલાઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે.ચેઇન સ્નેચિંગની ઘટનાઓની સાથે મોબાઈલ ઝૂંટવી લેવાના બનાવો પણ વધ્યા છે ત્યારે શહેર નજીક આવેલા અડાલજના ખોડીયાર ગ્રામ પાસે પણ આવી જ એક ચીલ ઝડપની ઘટના બનવા પામી છે. જે અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે ખોડિયાર ગામ ખાતે દેવ પારીજાતમાં રહેતા અને બાવળા સાયન્સ કોલેજમાં લેબ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા મયુરીબેન હષતભાઈ ગજ્જર શુક્રવારે બપોરના સમયે ઘર તરફ ચાલતા જઈ રહ્યા હતા તે દરમિયાન પાછળ મોપેડ ઉપર આવેલા ત્રણ શખ્સો પૈકી વચ્ચે બેઠેલા શખ્સે તેમના હાથમાંથી મોબાઈલ ઝૂંટવી લીધો હતો મયુરીબેન તેમના પતિ સાથે વાત કરી રહ્યા હતા તે દરમિયાન જ આ ઘટના બની હતી. તેમણે બૂમાબૂમ કરવા છતાં આ ગઠિયાઓ હાથમાં આવ્યા ન હતા. આખરે ગભરાઈને તેઓ ઘરે પહોંચ્યા હતા અને ત્યારબાદ તેમના સસરાને સંપૂર્ણ ઘટના વિશે માહિતગાર કરીને અડાલજ પોલીસ મથકમાં ફરિયાદ કરવા માટે પહોંચ્યા હતા.  જે સંદર્ભે પોલીસે ગુનો દાખલ કરીને આ ગઠિયાઓની શોધખોળ શરૃ કરી છે. ગાંધીનગરમાં વધી રહેલી આ પ્રકારની ચોરીની ઘટના અટકાવવા માટે પોલીસ દ્વારા દોડધામ શરૃ કરવામાં આવી છે.


Google NewsGoogle News