વુડા સર્કલ પાસે રોડની કામગીરીમાં કોન્ટ્રાકટરની બેદરકારીથી ગેસની લાઇન તૂટી
૨૦૦૦ ઘરને ગેસ પુરવઠો ન મળ્યોઃ તાકીદનું રિપેરિંગ કરાયું, કોન્ટ્રાકટરને નોટિસ અપાશે
વડોદરા, વડોદરામાં વુડા સર્કલની નજીક રોડની કામગીરીમાં કોન્ટ્રાકટર દ્વારા આડેધડ ખોદકામ કરવામાં ાવતા સવારે વડોદરા ગેસ લિમિટેડની ગેસ લાઇન તોડી નાખી હતી. જેના લીધે તાબડતોબ રિપેરિંગ કામ કરવાનો વારો આવ્યો હતો.
ભૂગર્ભમાં પસાર થતી ગેસ લાઇન ખોદકામ દરમિયાન તોડી નાખવાના બનાવ અવારનવાર બન્યા કરે છે. જેના કારણે ગેસ લિકેજ બાદ રિપેરિંગ માટે લાઇન બંધ કરવાથી હજારો ગેસ ગ્રાહકોને ગેસ વિના રહેવું પડે છે. અગાઉ આરવી દેસાઇ રોડ પર ખોદકામમાં કોન્ટ્રાકટરની બેદરકારીથી લાઇન તુટતા ૧૫ હજાર ઘરના લોકોને ગેસ વિના રહેવું પડયું હતું. એ પછી વાઘોડિયા રોડ વિસ્તારમાં વીજ નિગમના કોન્ટ્રાકટરની બેદરકારીથી લાઇન તુટતા બપોરે ૧ થી રાત્રીના ૧૦ સુધી ગેસ પુરવઠો ઠપ થતા લોકોને હેરાન થવું પડયુ ંહતું.
આજે સવારે વુડા સર્કલ ખાતે રોડની કામગીરીમાં ૧૬૦ એમ એમ ડાયામીટરની લાઇન તૂટતા કારેલીબાગ વિસ્તારમાં ૧૫૦૦ થઈ ૨૦૦૦ ઘરને અડધો કલાક અસર થઇ હતી. જો કે ગેસ કંપનીએ ઇન્ટર કનેક્ટિવિટિની સુવિધા રાખતા નંદનવનથી વાલ્વ બંધ કરી ગેસની કનેકિટવિટિ ચાલુ કરતા અડધો કલાકમાં લાઇનમાં ગેસ પુરવઠો વહેતો થયો હતો. કારેલીબાગમાં લાઇનમાં પડેલા ભંગાણનું રિપેરિંગ આશરે સવા કલાકે ચાલ્યું હતું. સવારે ૧૨ વાગે ગેસ પુરવઠો પૂર્વવત કરી દેવાયો હતો. કોન્ટ્રાકટરની બેદરકારી બદલ તેને ગેસ કંપની નોટિસ ફટકારશે, તેમ જાણવા મળ્યું છે.