Get The App

ફાઈન આર્ટસ ફેકલ્ટીના ગરબા વિવાદમાં, માતાજીના મંદિરનું સ્થળ બદલવા સામે વિરોધ

Updated: Oct 1st, 2024


Google NewsGoogle News
ફાઈન આર્ટસ ફેકલ્ટીના ગરબા વિવાદમાં, માતાજીના મંદિરનું સ્થળ બદલવા સામે વિરોધ 1 - image

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની ફાઈન આર્ટસ ફેકલ્ટીના ગરબા વડોદરામાં આગવી ઈમેજ ધરાવે છે.ત્રણ દિવસ પછી નવરાત્રીનો પ્રારંભ થવાનો છે ત્યારે ગરબા ગ્રાઉન્ડ પર માતાજીના મંદિરની જગ્યા બદલવાના નિર્ણયને લઈને વિવાદ સર્જાયો છે.

ફાઈન આર્ટસ ફેકલ્ટીના ગરબાની દાયકા જૂની પરંપરા પ્રમાણે મેદાનની વચ્ચે ગરબા ગાનારા અને સંગીતવૃંદના સ્ટેજને અડીને જ માતાજીના મંદિરની સ્થાપના થતી હોય છે.આ વર્ષે  માતાજીનું મંદિર  રાતોરાત બનાવવામાં આવેલા વીઆઈપીના સ્ટેજ પાસે ખસેડવાની હીલચાલ સત્તાધીશોએ શરુ કરી છે.

જેના વિરોધમાં ફેકલ્ટીના  વિદ્યાર્થીઓએ સ્ટુડન્ટ ડીનને આવેદનપત્ર આપ્યું છે અને કહ્યું  છે કે, મેદાનની વચ્ચે માતાજીના મંદિરને એટલા માટે રાખવામાં આવે છે કે, વિદ્યાર્થીઓ તેની ફરતે ગરબા ગાઈ શકે.વિદ્યાર્થીઓનું કહેવું  છે કે, ગરબા ગાનારા અને વાજિંત્રો વગાડનારાઓની સંખ્યા વધી રહી છે પણ આ વખતે તેમના માટેના સ્ટેજનું કદ ઘટાડી દેવામાં આવ્યું છે.સ્ટેજ અગાઉ જેટલું રાખવામાં આવતું હતું તેટલુ જ આ વખતે રાખવામાં આવે.

બીજી તરફ નવરાત્રી પર્વ આડે ત્રણ દિવસ બાકી રહ્યા છે પણ યુનિવર્સિટી સત્તાધીશોએ હજી સુધી ફાઈન આર્ટસના ગરબા માટે ભંડોળ પુરુ પાડયું નથી.ગત વર્ષે પણ આ જ રીતે છેલ્લી ઘડીએ ફંડ રિલિઝ કરવામાં આવ્યું હતું.છેલ્લા કેટલાક વર્ષોથી ફેકલ્ટી પાસેથી યુનિવર્સિટી સત્તાધીશોએ ગરબાનો ખર્ચ કરવાની સત્તા પાછી લઈ લીધી છે.

યુનિ.હેડ ઓફિસનું વીઆઈપી કલ્ચર ગરબામાં પ્રવેશ્યું

આમંત્રિતો માટે રાતોરાત કાયમી સ્ટેજ ઉભું કરાયું

ઘણાને લાગી રહ્યું છે કે, ફેકલ્ટીના ગરબાની પરંપરાઓ બદલવામાં આવી રહી છે.એમ.એસ.યુનિવર્સિટી હેડ ઓફિસની જેમ હવે ફાઈન આર્ટસના ગરબામાં પણ વીઆઈપી કલ્ચર પ્રવેશી ગયું હોવાની લાગણી ઘણા વિદ્યાર્થીઓ અને પૂર્વ વિદ્યાર્થીઓ વ્યક્ત કરી રહ્યા છે.અહીંંના ગરબામાં જે મહેમાનોને આમંત્રિત કરવામાં આવે તેઓ પણ બીજા લોકોની જેમ જ ગરબા જોતા હતા.જોકે ગત વર્ષે વીઆઈપી ગેસ્ટ  માટે સ્ટેજ બનાવવાનો આદેશ અપાયો હતો.આ વર્ષે તો રાતોરાત વીઆઈપી મહેમાનો માટે કાયમી સ્ટેજ ઉભી કરી દેવામાં આવ્યું છે.માતાજીના મંદિરને પણ બાજુમાં જ સ્થાપવામાં આવશે તેવી ચર્ચા છે.જેથી વીઆઈપી મહેમાનો આરતી કરી શકે.સામાન્ય રીતે વિદ્યાર્થીઓ અને અધ્યાપકો આરતી કરતા હોય છે.હવે એવું લાગે છે કે, વીઆઈપી મહેમાનો પાસે જ આરતી કરાવાશે.

જગ્યા નાની પડતી હોવાથી મંદિરનું સ્થળ બદલવાની વિચારણા 

ફેકલ્ટી સત્તાધીશોનું કહેવું છે કે, મંદિરની આસપાસ આરતી સમયે જગ્યા નાની પડતી હોય છે.ગત વર્ષે પણ તેના કારણે દુર્ઘટના સર્જાતી રહી ગઈ હતી.એટલે આ વખતે મંદિરની જગ્યા બદલવા માટે વિચારણા થઈ છે. આવતીકાલે, બુધવારે ગાંધી જયંતિ નિમિત્તે ગરબા ગ્રાઉન્ડની સફાઈ હાથ ધરાશે અને તેમાં તમામ વિદ્યાર્થીઓ જોડાવાના છે.તમામે સંમતિ આપી છે.

આર્ટસ ફેકલ્ટી દ્વારા પહેલી વખત ગરબાનું આયોજન

ફી સ્લીપ સાથે ગરબામાં એન્ટ્રી પણ એસવાયના વિદ્યાર્થીઓની ફી નથી ભરાઈ

એમ.એસ.યુનિવર્સિટીમાં અત્યાાર સુધી વિદ્યાર્થી સંગઠનો દ્વારા રાત્રી બિફોર નવરાત્રીનું આયોજન થતું આવ્યું છે.જોકે આ વખતે ફેકલ્ટી ઓફ આર્ટસના સત્તાધીશો દ્વારા પહેલી વખત ફેકલ્ટીમાં તા.૪ઓકટોબરના રોજ એક દિવસના ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે.

સાંજે ચાર થી સાત દરમિયાન ફેકલ્ટી ખાતે ગરબા યોજાશે.ફેકલ્ટી સત્તાધીશોએ વિદ્યાર્થીઓએ ગરબા માટે ફી સ્લીપ બતાવવાની રહેશે તેવી જાહેરાત કરી છે.

જો આ નિયમ લાગુ પડે તો એસવાયના વિદ્યાર્થીઓની ગરબામાંથી બાદબાકી થઈ જાય તેમ છે.કારણકે એસવાયના વિદ્યાર્થીઓની હજી સુધી ફી ભરાઈ નથી અને આ વિદ્યાર્થીઓ  પાસે ફી સ્લીપ જ નથી.સત્તાધીશોએ ગરબાની નોટિસ બહાર પાડતી વખતે આ બાબતને ધ્યાનમાં લીધી હોય તેમ લાગતું નથી.

ફેકલ્ટીના સૂત્રોએ કહ્યું હતું કે, એસવાયના વિદ્યાર્થીઓને લાગે વળગે છે ત્યાં સુધી તેમને ગત વર્ષની ફી સ્લીપના આધારે ગરબામાં  પ્રવેશ આપવામાં આવશે.



Google NewsGoogle News