હોડી દુર્ઘટના સમયે આવ્યા 'દેવદૂત'! ગેરેજમાં કામ કરતા મુકેશભાઈ સહિત ચાર લોકો તળાવમાં બાળકોને બચાવવા કૂદ્યા
Vadodara Boat Accident : હરણી ખાતેના લેક ઝોનમાં બોટ ઉંધી વળી જવાના કારણે સ્કૂલના ૧૨ બાળકો સહિત ૧૪ના મોત થવાની ગમખ્વાર હોનારતમાં ફાયર બ્રિગેડના જવાનો બચાવ કામગીરી કરે તે પહેલા કેટલાક સ્થાનિકો પણ તળાવમાં કુદી પડ્યા હતા.
આ પૈકીના એક મુકેશભાઈનુ લેક ઝોનની સામે ગેરેજ છે.તેમનુ કહેવુ હતુ કે, અમારા ગેરેજમાં અમે કામ કરી રહયા હતા ત્યારે અચાનક બૂમાબૂમ સંભળાતા હું ગેરેજમાંથી બહાર આવ્યો હતો.તે વખતે બે મેડમ તળાવ પાસે ઉભા રહીને બચાવો ..બચાવોની બૂમો પાડીને મદદ માંગી રહ્યા હતા.
મુકેશભાઈના જણાવ્યા અનુસાર હું અને બીજા ચાર પાંચ લોકો ત્યાં પહોંચ્યા ત્યારે મેડમે તળાવ તરફ આંગળી ચિંધીને કહ્યુ હતુ કે, બોટ ઉથલી પડી છે અને તેમાં બેઠેલા લોકો ડૂબી રહ્યા છે..એ પછી અમે રેલિંગ કુદીને તળાવની અંદર કુદયા હતા.અમારી આસપાસ ચાર બાળકો ડૂબી રહ્યા હતા.તેમને તરત બહાર કાઢ્યા હતા.એક શિક્ષક પર પણ નજર પડી હતી તો તેમને પણ પાણીમાંથી બહાર લઈ આવ્યા હતા.તે વખતે આ બાળકો શ્વાસ લેતા હતા.એ પછી તેમને તરત એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ લઈ જવા હતા.જો મેડમોએ બૂમો ના પાડી હોત તો અમારુ કદાચ ધ્યાન પણ ના ગયુ હોત.
બચી ગયેલા બાળકે કહ્યુ કે
બોટ પાસે પાઈપ દેખાઈ અને તે પકડીને ઉપર આવી ગયો
હરણી લેક ઝોન ખાતે સ્કૂલના બાળકોના ડૂબી જવાથી મોતની ઘટનામાં બચી ગયેલા એક માસૂમ બાળકે કહ્યુ હતુ કે, અમારી બોટ પલટી મારી ગઈ હતી.કેટલાક લોકો બોટની નીચે જતા રહ્યા હતા અને મેં જોયુ હતુ કે, તેમાંથી કેટલાક પાણીમાંથી ઉપર આવવા પ્રયાસ કરી રહ્યા હતા.મને બોટની પાસે એક પાઈપ દેખાઈ હતી.બીજા બાળકો તે પાઈપ પકડીને ઉપર જઈ રહ્યા હતા અને હું પણ તેમની સાથે ઉપર આવ્યો હતો.
આ બાળકે ચોંકાવનારી વાત કરતા કહ્યુ હતુ કે, અમને કોઈને લાઈફ જેકેટ પહેરાવ્યા નહોતા.