ગુજરાતના ગરબાને બહુ જલદી યુનેસ્કો દ્વારા સાંસ્કૃતિક વિરાસત જાહેર કરાય તેવી શક્યતા

Updated: Oct 15th, 2023


Google NewsGoogle News
ગુજરાતના ગરબાને બહુ જલદી યુનેસ્કો દ્વારા સાંસ્કૃતિક વિરાસત જાહેર કરાય તેવી શક્યતા 1 - image

વડોદરાઃ વડોદરા સહિત આખા ગુજરાતમાં આજથી નવ દિવસ માટે લોકો ગરબાના રંગે રંગાઈ જશે.ગુજરાતના આ આગવા અને સૌથી લાંબા તહેવારને યુનેસ્કો(યુનાઈટેડ નેશન્સ એજ્યુકેશનલ, સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઈઝેશન) દ્વારા ડિસેમ્બર મહિનામાં ઈન્ટેજિબલ કલ્ચરલ હેરિટેજ( અવર્ણનીય સાંસ્કૃતિક વિરાસત)નુ બિરુદ આપવામાં આવે તેવી શક્યતા છે.

ગરબાને યુનેસ્કોની સાંસ્કૃતિ વિરાસતના લિસ્ટમાં સામેલ કરવા માટે ગત વર્ષથી પ્રયાસો ચાલી રહ્યા છે અને હવે તે સફળ થવાના આરે છે.કેન્દ્ર સરકારના ડેપ્યુટી સેક્રેટરી( નાટય અને સાંસ્કૃતિ વિરાસત વિભાગ) સુનિલ કુમારનુ કહેવુ છે કે, યુનેસ્કોના સભ્ય દેશોની એક બેઠક તા.૪ થી ૯ ડિસેમ્બર દરમિયાન આફ્રિકન દેશ બોટ્સવાનામાં મળનાર છે.જેમાં ગરબાને પણ સાંસ્કૃતિ  વિરાસત જાહેર કરવામાં આવશે.

તેમના કહેવા પ્રમાણે અગાઉ યુનેસ્કોના સભ્ય દેશો પોતાની સંસ્કૃતિના એક કરતા વધારે પાસાને સાંસ્કૃતિ વિરાસતના લિસ્ટમાં સમાવવા માટે નોમિનેટ કરી શકતા હતા પણ છેલ્લા દસ વર્ષથી નવો નિયમ અમલમાં આવ્યો છે.જેમાં સભ્ય દેશ દર બે વર્ષે કોઈ એક જ સાંસ્કૃતિક બાબતની ભલામણ સાંસ્કૃતિક વિરાસત જાહેર કરવા માટે ભલામણ કરી શકે છે.

ઉલ્લેખનીય છે કે, ગરબાને કલ્ચરલ હેરિટેજ જાહેર કરવા માટેના પ્રયાસો ગત માર્ચ મહિનામાં શરુ થયા હતા. યુનેસ્કોને ભારત સરકારે આ માટે ડોઝિયર સુપરત કર્યુ હતુ.આ પ્રયાસોના ભાગરુપે ગરબાના ઈતિહાસની રજે રજની જાણકારી મેળવવા માટે એમ.એસ.યુનિવર્સિટીની પરફોર્મિંગ આર્ટસ ફેકલ્ટીની નોડલ એજન્સી તરીકે નિમણૂંક કરવામાં આવી હતી.કેન્દ્ર સરકારના ડેપ્યુટી  સેક્રેટરી સુનિલ કુમારે આ માટે પરફોર્મિંગ આર્ટસ ફેકલ્ટીની ગત વરષે મુલાકાત પણ લીધી હતી.ફેકલ્ટીના અધ્યાપકો અને ગરબા સાથે સંકળાયેલા દિગ્ગજ કલાકારો દ્વારા યુનેસ્કો દ્વારા જે પણ પ્રશ્નો ઉઠાવાયા હતા તેના સંતોષકારક જવાબો આપવામાં આવ્યા હતા.

ગરબાને ધાર્મિક, રાજકીય કે આર્થિક સીમાડા નડતા નથી

સરકારે યુનેસ્કોને ગરબા અંગે જે ડોઝિયર  સુપરત કર્યુ છે તેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, ગરબાને કોઈ ધાર્મિક, રાજકીય કે આર્થિક સીમાડા નડતા નથી.આ એક એવુ પર્વ છે જેમાં સમાજના તમામ વર્ગોના લોકો નાત, જાત, ધર્મના ભેદભાવ વગર સામેલ થાય છે.ગરબાના કારણે અર્થતંત્રને પણ વેગ મળે છે અને તેના કારણે જ્વેલરી, હોસ્પિટાલિટી સેકટર, કાપડ ઉદ્યોગ એમ સંખ્યાબંધ ક્ષેત્રોમાં રોજગારી પણ ઉભી થાય છે.ડેપ્યુટી સેક્રેટરી સુનિલ કુમારનુ કહેવુ છે કે, ગરબા એવી સાંસ્કૃતિક વિરાસત છે કે જેનાથી માનવજાતને ફાયદો થાય છે અને આ વાત અમે યુનેસ્કો સમક્ષ પ્રોજેકટ કરી છે.

૨૦૨૧માં દુર્ગાપૂજાને કલ્ચરલ હેરિટેજ જાહેર કરાઈ છે

૨૦૨૧માં પેરિસમાં યુનેસ્કોના સભ્ય દેશોની મળેલી બેઠકમાં પશ્ચિમ બંગાળના દુર્ગાપૂજા પર્વને  યુનેસ્કોની સાંસ્કૃતિક વિરાસતના લિસ્ટમાં સામેલ કરવામાં આવ્યુ હતુ.અત્યાર સુધીમાં ભારતની ૧૪ સાંસ્કૃતિક પંરપરાઓ યુનેસ્કોના આ લિસ્ટમાં સામેલ થઈ ચુકી છે અને હવે ગુજરાતના ગરબા પણ તેમાં સામેલ થનાર ૧૫મી સાંસ્કૃતિક પરંપરા હશે.



Google NewsGoogle News