વડોદરાના નહીં પણ રાજ્યના એક માત્ર ગરબા, 5000 દિવ્યાંગો ગરબાની રમઝટ બોલાવે છે

Updated: Oct 18th, 2023


Google NewsGoogle News
વડોદરાના નહીં પણ રાજ્યના એક માત્ર ગરબા,  5000  દિવ્યાંગો ગરબાની રમઝટ બોલાવે છે 1 - image

વડોદરાઃ વડોદરા શહેરમાં નવરાત્રિ પર્વની ઉજવણી આગવી રીતે થાય છે.અહીંયા યંગસ્ટર્સથી માંડીને સિનિયર સિટિઝન્સ અને બાળકો પણ ગરબે ઘૂમતા હોય છે .

વડોદરામાં દિવ્યાંગો પણ ગરબા રમી શકે તેનુ ધ્યાન રાખવામાં આવે છે.શહેરના જય સાંઈનાથ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શહેરના સમતા વિસ્તારમાં દશેરાના બીજા દિવસે દિવ્યાંગોના ગરબાનુ આયોજન કરવાની પરંપરા છેલ્લા ૨૪ વર્ષથી નિભાવવામાં આવી રહી છે.વડોદરાના જ નહીં પણ રાજ્યના પણ આ એક માત્ર ગરબા છે જેમાં ૫૦૦૦ દિવ્યાંગો ગરબે ઘૂમે છે.

ટ્રસ્ટના અધ્યક્ષ અને પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે કહે છે કે, હું પોતે ગરબા જોતો હતો ત્યારે બે દિવ્યાંગોને ગરબા જોવા માટેની મથામણ કરતા જોયા હતા.ભીડમાં તેમને ધક્કા મારીને ગરબા જોવા પડે તેવી સ્થિતિ હતી.એ પછી મને વિચાર આવ્યો હતો કે, દિવ્યાંગોને પણ ગરબા રમવાનો મોકો મળવો જોઈએ.એટલે ૨૪ વર્ષ પહેલા દિવ્યાંગો માટેના વિશેષ ગરબાની શરુઆત કરી હતી.

ઉલ્લેખનીય છે કે, હવે આ ગરબા મહોત્સવની દિવ્યાંગો અને તેમની સાથે કામ કરતી સંસ્થાઓ દર વર્ષે રાહ જોતી થઈ ગઈ છે.રાજેશ આયરેના કહેવા પ્રમાણે હવે તો વડોદરાથી જ નહીં પણ સુરતથી પણ દિવ્યાંગો એક દિવસ માટે ગરબાની મજા માણવા માટે આવે છે.ગયા વર્ષે જામનગરના દિવ્યાંગો પણ આ ગરબા માટે ખાસ વડોદરા આવ્યા હતા.ગત વર્ષે અમે ૧૦૮ દિવ્યાંગોના લગ્ન કરાવ્યા છે.આ વખતે તેમને પણ ગરબા જોવા માટે આમંત્રણ અપાયુ છે.જે દિવ્યાંગો ગરબા રમવા માટે આવે છે તેમને સિલાઈ મશિન, લારી જેવી જીવન નિર્વાહ કરી શકાય તેવી વસ્તુઓની સાથે સાથે ગિફ્ટ પણ અપાય છે.દિવ્યાંગોને ગરબા સ્થળ સુધી લાવવાની અને મુકી જવાની વ્યવસ્થા પણ ટ્રસ્ટના ૧૦૦ કાર્યકરો સંભાળે છે.ગરબા બાદ દિવ્યાંગોને ભોજન કરાવીને ઘરે મોકલવામાં આવે છે.આ વર્ષે પણ દશેરાના બીજા દિવસે ગરબા આયોજન માટે ટ્રસ્ટે તડામાર તૈયારીઓ શરુ કરી દીધી છે.


Google NewsGoogle News