ડેસર તાલુકાના શિહોરા ગામ પાસે કરડ નદી પર રૃા.૨૪ કરોડના ખર્ચે તૈયાર બ્રિજના લોકાર્પણ પહેલાં ગાબડા
પ્રથમ વરસાદમાં જ બ્રિજની હલકી કામગીરી બહાર આવી ઃ વિજિલન્સ તપાસની માંગણી
વડોદરા તા.૫ વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના શિહોરા ગામ પાસેથી પસાર થતી કરડ નદી પર રૃા.૨૪ કરોડના ખર્ચે બનાવેલ નવા બ્રિજના લોકાર્પણ પહેલાં તિરાડો અને ખાડા પડી જતાં હલકી કામગીરી શરૃઆતમાં દેખાવા લાગી છે. પ્રથમ વરસાદમાં જ બ્રિજનો કેટલોક ભાગ ધોવાતો હોય તેમ લાગી રહ્યું છે જેના પગલે વિજિલન્સ તપાસની માંગણી પણ કરવામાં આવી છે.
ડેસર તાલુકાના સિહોરા ગામ પાસે કરડ અને મેસરી નદી પસાર થાય છે. આ નદી પરનો જૂનો બ્રિજ જર્જરિત થઇ જતાં જિલ્લા માર્ગ અને મકાન વિભાગ દ્વારા નવો બ્રિજ રૃા.૨૪ કરોડના ખર્ચે બની રહ્યો છે. આ બ્રિજનું કામ જ્યારથી શરૃ થયું ત્યારથી જ વિવાદનું કારણ બનેલ છે. બ્રિજની કામગીરી અને હલકી ગુણવત્તા મુદ્દે ચર્ચા જાગી છે. નવા બ્રિજની કામગીરીમાં ભારે ભ્રષ્ટાચાર અને બેજવાબદારી પ્રકાશમાં આવતા સાવલી અને ડેસર તાલુકામાં ચર્ચાનો વિષય બન્યો છે.
રોજે રોજ હજારો ભારદારી વાહનો આ બ્રિજ તેમજ રસ્તા પરથી પસાર થાય છે ત્યારે બ્રિજની ગુણવત્તા મુદ્દે પ્રશ્નો ઊભા થયા છે. સરકાર દ્વારા રૃા.૨૪ કરોડની માતબર રકમ બ્રિજ માટે ફાળવી હતી પણ આ રકમ પાણીમાં જતી રહી હોવાનું લાગી રહ્યું છે. સાવલીના ભાજપના ધારાસભ્યે પણ મુખ્યમંત્રીને લેખિતમાં ફરિયાદ કરી જણાવ્યું છે કે કરડ અને મેસરી નદી પર રૃા.૨૪ કરોડના ખર્ચે બનેલ બ્રિજ ઉદ્ધાટન પહેલા જ આરસીસી ઉખડી જતા તેમજ મોટા ખાડા પડી જતા ભ્રષ્ટાચારની શંકા છે. આ કામની વિજિલન્સ દ્વારા તપાસ કરાવીને જવાબદારો સામે કાર્યવાહી કરવી જોઇએ.