ઇન્ડિયન આર્મીના નામે વેપારીઓને ફસાવતી ગેંગ સક્રિય : ઓનલાઇન ટ્રાન્ઝેક્શનના નામે ઠગાઇ
આર્મીના લોગોનો ઉપયોગ કરીને પરચેઝ ઓર્ડર મોકલે છે : સરદાર એસ્ટેટના વેપારીને ફસાવવાની કોશિશ
વડોદરા,ઇન્ડિયન આર્મીના નામે વેપારીઓને પરચેઝ ઓર્ડર મોકલી ઠગ ટોળકી સામાનની ખરીદી કરી રહી છે. વેપારી જ્યારે સામાનની ડિલીવરી કરવા જાય ત્યારે ઓનલાઇન ટ્રાન્ઝેક્શનના બહાને ઠગ ટોળકી પર્સનલ નંબર પરથી નાણાંકીય વ્યવહાર કરાવે છે. પેમેન્ટ કન્ફર્મ કરવા માટે વેપારી પાસેથી પોતાના એકાઉન્ટમાં રૃપિયા ટ્રાન્સફર કરાવી ટોળકી ફ્રોડ કરે છે. ઠગ ટોળકી ઇન્ડિયન આર્મીના લોગોનો પણ ઉપયોગ કરે છે.
આજવા રોડ સરદાર એસ્ટેટમાં ગુરૃકૃપા એન્ટરપ્રાઇઝ નામથી બિઝનેસ કરતા વેપારી ભરત શિંદેને કુણાલ ચૌધરીના નામે આર્મી ઓફિસરની ઓળખ આપી એક ઠગે સંપર્ક કર્યો હતો. આર્મી ઓફિસ માટે એપોક્સી હાર્ડનરની જરૃરિયાત છે. જેથી, વેપારીએ પરચેઝ ઓર્ડર મોકલવાનું કહેતા ઠગ દ્વારા મેઇલ કરીને ઇન્ડિયન આર્મીના નામે પરચેઝ ઓર્ડર મોકલવામાં આવ્યો હતો. અમદાવાદની ઓફિસના સરનામુ દર્શાવી મોકલવામાં આવેલા પરચેઝ ઓર્ડર મળતા વેપારીએ ૧૫૦ નંગનું બિલ ૫૮,૧૪૦ રૃપિયાનું બનાવી માલ ડિલીવરી માટે મોકલવામાં આવ્યો હતો.
વેપારીએ રિક્ષાનો ફોટો પાડી મોકલી ગેટ પાસ બનાવવા માટે કહેતા ઠગે ગેટ પાસ પણ બનાવી આપ્યો હતો. ત્યારબાદ રિક્ષા વડોદરા પ્રતાપગંજ વિસ્તારમાં ઠગ દ્વારા જણાવવામાં આવેલી આર્મીની ઓફિસે પહોંચે છે. ઠગે વેપારીને કહ્યું કે, વેન્ડર રજિસ્ટ્રેશન ચાલી રહ્યું છે. તમે મારા એકાઉન્ટમાં પાંચ રૃપિયા ટ્રાન્સફર કરો. વેપારીએ પાંચ રૃપિયા ટ્રાન્સફર કરતા થોડી વાર પછી ૧૦ રૃપિયા વેપારીના એકાઉન્ટમાં પરત આવી ગયા હતા. ત્યારબાદ ઠગે કહ્યું કે, હવે તમે બિલની રકમ મારા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરો. હું તરત તમારા એકાઉન્ટમાં ડબલ રકમ રિવર્સ કરં છું. નવું રજિસ્ટ્રેશન છે. એટલે આવું કરવું પડશે.
આ વાત સાંભળીને વેપારીને શંકા જતા તેમણે ઠગને કહ્યું કે, તમે મારા પર્સનલ એકાઉન્ટમાં નહીં પરંતુ, કંપનીના એકાઉન્ટમાં રૃપિયા ટ્રાન્સફર કરો. મારે કોઇ પર્સનલ ટ્રાન્ઝેક્શન કરવા નથી. ત્યારબાદ ઠગે વેપારીને સમજાવવા બહુ કોશિશ કરી હતી. પંરતુ, વેપારી ટસનો મસ થયા નહતા. વેપારીએ વેપારીની કંપનીના એકાઉન્ટમાં રૃપિયા ટ્રાન્સફર નહીં કરતા વેપારીએ માલની ડિલીવરી કરી નહતી.
ઘણા વેપારીઓ આ રીતે માલની ડિલીવરી કરવા પહોંચી જતા હોય છે
વડોદરા,વેપારીને શંકા જતા તેમણે માલની ડિલીવરી કરી નહતી. ત્યારબાદ જે ઓફિસનું એડ્રેસ ડિલીવરી માટે આપ્યું હતું. ત્યાં જઇને તેમના પુત્રે તપાસ કરતા ત્યાંના સિક્યુરિટી સ્ટાફે જણાવ્યું હતું કે, આર્મીના નામે પરચેઝ ઓર્ડર આપવામાં આવ્યો હોય તેવા ઘણા કિસ્સાઓ અહીંયા આવે છે. ક્યારેક એ.સી. તો ક્યારેક ફ્રિઝ જેવા ઉપકરણો લઇને લોકો ડિલીવરી કરવા માટે આવતા હોય છે. પરંતુ, તેઓ પાસે જે પરચેઝ ઓર્ડર હોય છે. તે બોગસ હોય છે.
કેટલાક વેપારીઓએ રૃપિયા ગુમાવ્યા
વડોદરા,વેપારી ભરત શિંદેએ વધુમાં જણાવ્યું હતું કે, મારે રિક્ષા ભાડુ ભોગવવું પડયું હતું. પરંતુ, મારા કેટલાક વેપારી મિત્રોએ ઠગની વાતોમાં આવીને ઓનલાઇન ટ્રાન્ઝેક્શન કરતા તેઓને રૃપિયા ગુમાવવાનો વારો આવ્યો છે. પરંતુ, સૌથી ગંભીર બાબત એ છે કે, ઠગ ટોળકી ઇન્ડિયન આર્મીના નામે છેતરપિંડી થાય છે. આ અંગે પોલીસ દ્વારા અસરકારક કામગીરી થાય તે જરૃરી છે.