વિદ્યાર્થિની પર ગેંગરેપ કેસ ઃ બે મુખ્ય આરોપીના DNA મેચ થઇ ગયા
કેસ માટે નિમાયેલા બે ખાસ ધારાશાસ્ત્રીઓ સાથે પોલીસ બેઠક કરશે ઃ તા.૧૬મીએ ચાર્જશીટ મૂકવાની તૈયારી
વડોદરા, તા.13 ભાયલી ગેંગરેપના નરાધમોના બે મુખ્ય બળાત્કારીઓના ડીએનએ મેચ થયા હોવાનો પ્રાથમિક રિપોર્ટ જિલ્લા પોલીસને મળ્યો છે આ સાથે જ ગુના માટે તે મહત્વનું પુરવાર થશે તેમ જાણવા મળ્યું છે.
ઉલ્લેખનીય છે કે ભાયલી ગામની સીમમાં અવાવરૃ રોડ પર બોયફ્રેન્ડ સાથે બેઠેલી વિદ્યાર્થિની પર ત્રણ નરાધમોએ પોલીસની ભાષામાં પૂછપરછ કરી ત્રણેએ ગેંગરેપ કર્યો હતો. આ બનાવની તાલુકા પોલીસ સ્ટેશનમાં ગેંગરેપ તેમજ પોક્સો એક્ટ હેઠળ ફરિયાદના પગલે સમગ્ર શહેર અને જિલ્લા પોલીસ દોડતી થઇ ગઇ હતી. ગેંગરેપના ગુનામાં સંડોવાયેલા પાંચ નરાધમોને આખરે ઝડપી પાડવામાં આવ્યા હતાં. તાલુકા પોલીસે પાંચેયનો કબજો મેળવ્યા બાદ પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
ગોત્રી મેડિકલ કોલેજમાં પાંચેયના ડીએનએ સેમ્પલ સહિત અન્ય મેડિકલ નમૂના લેવામાં આવ્યા હતાં. લેવાયેલા સેમ્પલોની ચકાસણી માટે ડીએનએ લેબમાં મોકલાયા હતાં. આ લેબમાંથી આજે બે મુખ્ય આરોપીના ડીએનએ મેચ થયા હોવાની મૌખિક જાણકારી પોલીસને આપવામાં આવી હતી અને તે અંગેનો રિપોર્ટ આવતીકાલે સોમવારે ઓફિસ ખૂલતા પોલીસને સુપરત કરાશે. પોલીસ દ્વારા અન્ય પુરાવાઓ પણ એકત્ર કરવામાં આવી રહ્યા છે.
પોલીસ તપાસની સાથે સાથે ચાર્જશીટની પણ તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે. આવતીકાલે પાંચેય નરાધમોના રિમાન્ડ પૂરા થતાં હોવાથી કાલે ફરી કોર્ટમાં રજૂ કરાશે. આરોપીઓને સાથે રાખીને કરવામાં આવેલી તપાસ પૂર્ણ થતાં હવે પોલીસ દ્વારા રિમાન્ડની માંગણી નહી કરાય તેવી શક્યતા છે. તા.૧૬મીએ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવાની તૈયારીઓ પોલીસ દ્વારા હાથ ધરાઇ છે. આ માટે ટૂંક સમયમાં આ કેસ માટે નિમાયેલા ખાસ ધારાશાસ્ત્રીઓ સાથે બેઠક યોજાશે અને તે વખતે સીઆઇડી ક્રાઇમના અધિકારીઓ પણ હાજર રહે તેવી શક્યતા છે.