ભાયલી પાસે સૂમસામ રોડ પર બોયફ્રેન્ડ સાથે રાત્રે બેઠેલી ધોરણ-૧૧ની વિદ્યાર્થિની પર ત્રણ નરાધમોનું ગેંગરેપ
એક બાઇક પર આવેલા ત્રણે હવસખોરોએ પોલીસની જેમ પૂછપરછ કરી હવસ સંતોષી સગીરાનો મોબાઇલ લૂંટી ફરાર
શનિવાર તા.5 વડોદરા નજીક ભાયલી વિસ્તારના એક સૂમસામ રોડ પર રાત્રે બોયફ્રેન્ડ સાથે બેઠેલી ૧૬ વર્ષની સગીરા પર ત્રણ નરાધમોએ ગેંગરેપ ગુજારતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઇ છે. સગીરાના ફ્રેન્ડને પકડી રાખી તેની સામે જ સગીરાને હવસનો ભોગ બનાવ્યા બાદ ત્રણે નરાધમો બાઇક પર ફરાર થઇ ગયા હતાં. નવરાત્રિમાં જ સગીરા પર દુષ્કર્મની ઘટનાને પગલે સમગ્ર જિલ્લા પોલીસ દોડતી થઇ ગઇ છે.
આ અંગેની વિગત એવી છે કે ૧૬ વર્ષની ધોરણ-૧૧ સાયન્સમાં અભ્યાસ કરતી સગીરા ગઇરાત્રે સાડા દશ વાગે તેના બોયફ્રેન્ડને ગોત્રીરોડ પર લક્ષ્મીપુરા પાસે મળી હતી. બાદમાં સગીરા તેના બોયફ્રેન્ડના સ્કૂટર પર બેસીને બંને ભાયલી-સેવાસી કેનાલરોડ પર થઇને ભાયલી ટીપી વિસ્તારમાં એક ખુલ્લી જગ્યામાં રોડ પર ગયા હતાં. રાત્રે રોડ પર અવરજવર નહી હોવાથી ડિવાઇડર પાસે સ્કૂટર ઊભું રાખ્યું હતું અને બંને ડિવાઇડર પર બેસીને વાતો કરતાં હતાં. આ વખતે ૩૦ મિનિટ પછી બે બાઇક પર પાંચ શખ્સો આવ્યા હતાં.
એક બાઇક પર ત્રણ અને બીજી બાઇક પર બે શખ્સો બેઠા હતાં. એક બાઇક પર બેસેલ યુવાને હિન્દીમાં પોતે પોલીસ હોય તેમ સગીરા અને તેના ફ્રેન્ડની પૂછપરછ કરી હતી અને બાદમાં અન્ય શખ્સને વીડિયો ઉતારવાનું કહ્યું હતું. જો કે સગીરા અને તેના ફ્રેન્ડે વીડિયો નહી ઉતારવાનું કહેતાં એક શખ્સ સગીરાનો હાથ પકડીને જબરજસ્તી ખેંચી જઇ સૂમસામ રોડ પર સગીરાને રોડ પર સૂવડાવી દુષ્કર્મ ગુજાર્યું હતું. આ વખતે અન્ય બે શખ્સોએ સગીરાના ફ્રેન્ડને પકડી રાખ્યો હતો.
ફ્રેન્ડની સામે જ સગીરા પર દુષ્કર્મ થતાં તે હેબતાઇ ગયો હતો બાદમાં અન્ય બંને શખ્સોએ પણ સગીરાને પોતાની હવસનો ભોગ બનાવી હતી. જો કે સગીરાના ફ્રેન્ડે બૂમાબૂમ કરવાનું શરૃ કરતાં ત્રણે શખ્સો જો પોલીસ કે કોઇને જાણ કરીશ તો જાનથી મારી નાંખીશું તેવી ધમકી આપી સગીરાનો મોબાઇલ લૂંટીને ભાગી ગયા હતાં. ઉલ્લેખનીય છે કે બે બાઇક પૈકી એક બાઇક પરના બે યુવાનો દુષ્કર્મ ગુજાર્યા પહેલાં જ રવાના થઇ ગયા હતાં.
આ ઘટનાની જાણ સગીરા તેમજ તેના ફ્રેન્ડે અન્ય એક ફ્રેન્ડને જાણ કરી હતી અને બાદમાં રાત્રે તેઓ ઘેર જતા રહ્યા હતાં. આ ઘટનાની જાણ સગીરાએ તેની માતા અને ભાઇને કરી હતી અને તેઓ બંને સગીરાને લઇને તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવા આવ્યા હતાં. બનાવ અંગે પોલીસે બીએનએસની વિવિધ કલમો મુજબ ગુનો દાખલ કરી હવસખોરોની શોધખોળ કરવા જિલ્લા પોલીસની એલસીબી, એસઓજી સહિતની ટીમો તેમજ સ્થાનિક પોલીસ દ્વારા સીસીટીવીના આધારે તપાસ હાથ ધરવામાં આવી છે.