Get The App

ભાયલી પાસે ગેંગરેપની ઘટનાના પાંચેય નરાધમોને સ્થળ પર લઇ જઇ રિકન્સ્ટ્રક્શન કરાયું

મુન્નાએ વિદ્યાર્થિનીને ધમકાવવાથી માંડી રેપ કર્યો તે ઘટનાક્રમ વર્ણવ્યો ઃ લોકોના ટોળા ઉમટયા

Updated: Oct 9th, 2024


Google NewsGoogle News
ભાયલી પાસે ગેંગરેપની ઘટનાના  પાંચેય નરાધમોને સ્થળ પર લઇ જઇ રિકન્સ્ટ્રક્શન કરાયું 1 - image

વડોદરા, તા.9 વડોદરા નજીક ભાયલી ગામની સીમમાં વિદ્યાર્થિની પર ગેંગરેપની ઘટનાના પાંચેય નરાધમોની ધરપકડ બાદ પોલીસે તેની તપાસ આગળ વધારી  છે. ગઇકાલે રિમાન્ડ મળતાની સાથે જ નરાધમોને સાથે રાખી પુરાવા એકત્રિત કરવા પર વધારે ધ્યાન આપવામાં આવી રહ્યું છે. પાંચેય આરોપીઓને આજે સાંજે ઘટનાસ્થળે લઇ જઇ રિકન્સ્ટ્રક્શન હાથ ધરવામાં આવ્યું ત્યારે મોટી સંખ્યામાં ટોળા ઉમટી પડયા હતાં.

બોયફ્રેન્ડ સાથે બેઠેલી વિદ્યાર્થિની પર ગેંગરેપની ઘટનાના ત્રીજા દિવસે જ મૂળ ઉત્તર પ્રદેશના વતની પરંતુ કામ ધંધા માટે વડોદરા આવીને સ્થાયી થયેલા પાંચ નરાધમોને તાંદલજા વિસ્તાર તેમજ અન્ય સ્થળેથી ઝડપી પાડવામાં આવ્યા હતાં. તાલુકા પોલીસ સ્ટેશનના ગુનામાં પાંચેયની ધરપકડ બતાવ્યા બાદ ગઇકાલે ઓળખ પરેડ હાથ ધરવામાં આવી હતી અને તુરંત જ કોર્ટમાં રજૂ કરી બે દિવસના રિમાન્ડ મેળવ્યા હતાં.

માત્ર બે દિવસના  રિમાન્ડ મળતાં પોલીસ પાસે ઓછો સમય હોવાથી પુરાવા એકત્ર કરવા માટે તાબડતોબ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગઇ રાત્રે જ મેડિકલ કરાયા બાદ આજે સાંજે ભાયલી ખાતેના તાલુકા પોલીસ સ્ટેશનમાંથી મુન્ના અબ્બાસ બનજારા, મુમતાજ ઉર્ફે આફતાબ સુબેદાર બનજારા, શાહરૃખ કિસ્મતઅલી બનજારા, સૈફઅલી મહેદી હસન બનજારા અને અજમલ સત્તાર બનજારાને જે સ્થળે ગેંગરેપની ઘટના બની હતી તે સ્થળ પર પોલીસ કાફલા સાથે લઇ જવાયા  હતાં.

પોલીસ કાફલા વચ્ચે પાંચેય નરાધમો પાસે રિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું હતું. જે સ્થળે ગેંગરેપ કર્યો ત્યાં લઇ જઇ નરાધમોએ કેવી રીતે ગુનાને અંજામ આપ્યો તે વિગતો જાણી હતી. તમામ નરાધમો ક્યાંથી ક્યાં પહોંચ્યા તેમજ વિદ્યાર્થિની અને બોયફ્રેન્ડ સાથે કરેલી વર્તણૂંક સહિત સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. પોલીસ પાસે આરોપીઓને સાથે રાખવા માટે માત્ર બે દિવસ જ હોવાથી આરોપીઓને સાથે રાખીને જેટલી તપાસ કરવાની હોય તેમાં ગતિ વધારી દીધી છે. રિકન્સ્ટ્રક્શન દરમિયાન ત્રણ આરોપીઓ એકબીજા પર દોષારોપણ કરતા હતાં. એકે મુન્નાએ રેપ કર્યો તેમ જણાવતા મુન્નાએ વિદ્યાર્થિનીને કેવી રીતે ધમકાવી ત્યાંથી રેપ કર્યો ત્યાં સુધીનો ઘટનાક્રમ વર્ણવ્યો હતો.




Google NewsGoogle News