વડોદરામાં સામૂહિક દુષ્કર્મ કેસમાં મોટો ખુલાસો, પીડિત સગીરાનો મોબાઇલ વિશ્વામિત્રી નદીમાં ફેંકાયો
આજે મોબાઇલ શોધવા માટે પોલીસ દ્વારા નદીમાં શોધખોળ કરાશે
Vadodara Bhayli case | ભાયલી પાસે વિદ્યાર્થિની પર ગેંગરેપની ઘટના અને મોબાઇલ લૂંટના પગલે પોલીસ દ્વારા ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે. પીડિતાનો લૂંટમાં ગયેલો મોબાઇલ પણ પોલીસ શોધી રહી હોવાનું જાણવા મળ્યું છે.
પ્રાપ્ત માહિતી મુજબ વડોદરા શહેરમાં રહેતી વિદ્યાર્થિની તેના બોયફ્રેન્ડ સાથે બીજી નવરાત્રિના દિવસે ભાયલી ગામની સીમમાં સૂમસામ રોડ પર ડિવાઇડર પાસે બેઠા હતાં ત્યારે પાંચ નરાધમોએ આવીને પોલીસની ભાષામાં વિદ્યાર્થિની તેમજ તેના બોયફ્રેન્ડને ધમકાવી વિદ્યાર્થિની પર ગેંગરેપ કર્યો હતો અને ધમકીઓ આપીને વિદ્યાર્થિનીનો મોબાઇલ લૂંટીને નરાધમો ફરાર થઇ ગયા હતાં.
આ ગુનાની ફરિયાદ બાદ ગઇકાલે પાંચેય નરાધમોની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ પૂછપરછમાં લૂંટમાં ગયેલો મોબાઇલ નરાધમ મુન્નાએ વડસરરોડ પર વિશ્વામિત્રી નદીમાં ફેંકી દીધો હોવાની કબૂલાત કરી હતી. આ મોબાઇલ પણ પોલીસને શોધવો મોટો પડકાર થઇ ગયેલ છે. આવતીકાલે પોલીસ દ્વારા મોબાઇલ શોધવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે તેમ જાણવા મળ્યું છે.