પત્નીના પ્રેમીની હત્યા કરનાર ગેંગરેપના આરોપીની ધરપકડ
પત્નીના પતિનો ગુનાઇત ભુતકાળ ઃ ગેંગરેપ, છેતરપિંડી, દારૃ અને ચોરીના કેસમાં સંડોવણી
શિનોર તા.૧૫ શિનોર તાલુકાના માલપુર ગામનો યુવાન એક પરિણીતા સાથે પતિ અને પત્નીની જેમ રહેતો હતો. આ અંગે પરિણીતાના પતિએ કાવતરું રચી પત્નીના પ્રેમીની તેના ભાઇ અને મિત્રની મદદથી હત્યા કરી હોવાનો પર્દાફાશ થતા પોલીસે હત્યામાં સંડોવાયેલા પતિના ભાઇ અને મિત્રને ઝડપી પાડયા હતા જ્યારે ફરાર મુખ્ય આરોપીને પણ પોલીસે ઝડપી પાડયો હતો.
શિનોર તાલુકામાં ભારે ચકચાર મચાવનાર મહેશ ઈશ્વર વસાવાની ઘાતકી હત્યાનો ભેદ શિનોર પોલીસે મહેશ ગુમ થયાના ૧૨ દિવસે ઉકેલ્યો હતો. માલપુરના ઘનશ્યામ ઉર્ફે ઘણીઓ ઉર્ફે ગણેશ જયંતિ વસાવાની પત્ની સંગીતા વસાવાને ગામના મહેશ ઈશ્વર વસાવા સાથે પ્રેમ સંબંધ હોવાથી બંન ેપાણેથા મુકામે પતિ પત્ની તરીકે રહેતા હતાં. પત્ની તેના પ્રેમી સાથે રહેતી હોવાથી પતિ ઘનશ્યામને મનદુઃખ હોય તેણે તેના ભાઇ સંદિપ અને મિત્ર શકીલ દિવાનની મદદથી મહેશ વસાવાની હત્યા કરી લાશ ફેંકી દીધી હતી.
શિનોર પોલીસની તપાસના અંતે પોલીસે અગાઉ બે આરોપીને ઝડપી પાડયા હતા જ્યારે ફરાર થઇ ગયેલા ઘનશ્યામ ઉર્ફે ગણેશ જયંતિ વસાવાને પણ ઝડપી પાડયો હતો. પોલીસે તેની વધુ પૂછપરછ હાથ ધરી છે. આ સાથે હત્યાના કેસમાં કુલ ત્રણ આરોપીની ધરપકડ થઇ છે. પોલીસે જણાવ્યું હતું કે ઝડપાયેલા ઘનશ્યામ પણ અગાઉ અનેક ગુનામાં સંડોવાયેલો છે. ઘનશ્યામની અગાઉ વર્ષ-૨૦૧૫માં શિનોર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગેંગરેપ કેસમાં ધરપકડ થઇ હતી. આ ઉપરાંત તે વર્ષ-૨૦૨૦માં દારૃના કેસમાં તેમજ વર્ષ-૨૦૨૨માં વાનહનચોરીના કેસમાં પણ પકડાયો હતો. રાજપીપળા પોલીસે તેની વર્ષ-૨૦૨૧માં છેતરપિંડીના કેસમાં ધરપકડ કરી હતી.