શિનોરમાં વિધવાની હત્યાના કેસમાં ગેંગરેપ થયો હોવાની શંકા : પોલીસને ત્રણ સેમ્પલ મળ્યા
બોડી એટલી હદે ડિકમ્પોઝ થઇ ગઇ હતી કે, પી.એમ.માં રેપ થયો હોવાનું કન્ફર્મ ના થયું : એફ.એસ.એલ.ની મદદ લેવાઇ
વડોદરા,શિનોરમાં નર્મદા કિનારે આવેલ કૃષ્ણેશ્વર મંદિર નજીક નૌકા તાલીમ કેન્દ્ર ખાતે રહેતી ૫૦ વર્ષની મહિલા રહસ્યમય સંજોગોમાં ગૂમ થઇ ગયા પછી તેની લાશ ઝાડ પર લટકતી હાલતમાં મળી આવી હતી.આ કેસની તપાસ દરમિયાન એવી વિગતો પ્રકાશમાં આવી છે કે, મહિલાની હત્યા થઇ હતી. પોલીસ ગેંગરેપની શંકા સેવી રહી છે. જોકે, આરોપી પકડાયા પછી જ સાચી હકીકત પ્રકાશમાં આવશે
શિનોર નર્મદા કિનારે એક મંદિર નજીક છેલ્લા ઘણા સમયથી ૫૦ વર્ષની મહિલા પતિના અવસાન પછી એકલા જ રહેતા હતા. ગત તા ૩૧/૮/૨૪ ના રોજ રાત્રે તેમની દીકરીએ માતાને ફોન કરતા ફોન સ્વીચ ઓફ આવતો હતો. જેના પગલે મહિલાની બંને દીકરીઓએ શિનોર દોડી આવી પોલીસને જાણ કરી હતી. ત્રણ દિવસ પછી તા.૩/૯/૨૪ ના રોજ શિનોર પોલીસે જાણવા જોગ નોંધ કરી હતી. દીકરીઓએ જાતે માતાની શોધખોળ હાથ ધરી હતી. ં ઝાડ પર નગ્ન અવસ્થા માતાની લાશ લટકતી મળતા શિનોર પોલીસને જાણ કરી હતી. શિનોર પોલીસ ઘટના સ્થળે આવી કાયદેસર ની કાર્યવાહી કરી આગળ ની તપાસ હાથ ધરી હતી. પી.એમ. દરમિયાન મર્ડરના પુરાવા મળ્યા હતા. પરંતુ, બોડી એટલી હદે ડિકમ્પોઝ થઇ ગઇ હતી કે, રેપની જાણ માટે વિશેરા સહિતના સેમ્પલ એફ.એસ.એલ.માં તપાસ માટે મોકલી આપવામાં આવ્યા છે. દરમિયાન શિનોર પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ.આર.આર.મિશ્રાને તપાસ દરમિયાન સ્થળ પરથી મહિલા ઉપરાંત અન્ય બે વ્યક્તિઓના સેમ્પલ મળ્યા છે. જેથી, તેના પર ગેંગ રેપ થયો હોવાની શંકા સેવાઇ રહી છે. પોલીસ લગભગ આરોપી સુધી પહોંચી ગઇ છે. આરોપી પકડાય પછી સત્ય હકીકતો જાણવા મળશે.