પૂરાવા આપી પુરની સહાય લઇ જાવ,દાગીના-રોકડ વાહનમાં મૂકજો,નહિંતર સહાય રદ થશે.. દાગીના-રોકડ ચોરતી ગેંગ પકડાઇ
વડોદરાઃ ચોમાસામાં થયેલા નુકસાનનું વળતર આપવાના નામે લોકોને જુદીજુદી જગ્યાએ બોલાવ્યા બાદ તેમના વાહનમાં પહેરેલા દાગીના અને રોકડ મુકીને ઓફિસમાં જવાનું કહી આ ચીજો ચોરી લેતી ગેંગના બે સાગરીતોને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડયા છે. જ્યારે એક ફરાર થઇ ગયો છે.
વડોદરામાં ચોમાસા દરમિયાન અનેક સ્થળોએ પૂરના પાણી ફરી વળ્યા હતા અને તેને કારણે મકાનો,દુકાનોમાં ભારે નુકસાન થતાં સરકારે સહાય આપવાની જાહેરાત કરી અનેક સ્થળે ફોર્મ ભરાવ્યા હતા.
આ સ્કીમનો લાભ ગઠિયાઓએ પણ ઉઠાવ્યો છે.રાજેશ ઓડ તેમજ તેના બે સાગરીતો પ્રદીપ અને આકાશ કેટલાક સમયથી રિક્ષા ડ્રાઇવરો કે અન્ય લોકોનો નંબર મેળવી ફતેગંજ પોસ્ટ ઓફિસ કે અન્ય સરકારી ઓફિસમાંથી બોલું છું તેમ કહી વાત કરતા હતા.તેઓ પૂરની સહાય માટે આધારકાર્ડ,પાસબુક જેવા પુરાવા લઇ કોર્પોરેશન,આરટીઓ જેવા સ્થળે સમય આપીને બોલાવતા હતા.
સહાય લેવા આવનાર વ્યક્તિ ઓફિસે આવીને ફોન કરે એટલે ગેંગના સાગરીતો તેના પર નજર રાખતા હતા.તેને દાગીના અને રોકડ રકમ હશે તો સહાય નહિ મળે તેમ કહી વાહનમાં મૂકી આવવાનું કહેતા હતા.સહાય લેવા જનાર વ્યક્તિ ઓફિસમાં જાય એટલે ભોંઠો પડી જતો હતો.બહાર નીકળતાં જ તેના વાહનમાંથી રોકડ અને દાગીના પણ ગાયબ થઇ જતા હતા.
ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ આર જી જાડેજા અને ટીમે સીસીટીવી ફૂટેજ અને અન્ય ટેકનિકલ સર્વેલન્સને આધારે બે જણાને ઝડપી પાડયા છે.તેમની પાસે સાત જેટલા ગુનાનો ભેદ ખૂલતાં કુલ રૃ.૨.૩૮ લાખની મત્તા કબજે લેવાઇ છે.
પૂરની સહાયના નામે ઠગતા આરોપીના નામ-સરનામા
(૧) લોકોને ફોન કરતા સૂત્રધાર રાજેશ ઉર્ફે વિશાલ નટુભાઇ ઓડ ચીજો ચોરી વેચવામાં મદદ કરતા તેના સાગરીત (૨) પ્રદિપ ઉર્ફે પદિયો રાજેશ ભાઇ ડીઘે(બંને રહે.વારસીયા વીમાના દવાખાના પાસે,ભાથુજી મંદિર નજીક) અને ફરાર થઇ ગયેલા(૩) આકાશ નટુભાઇ ઓડ (વારસીયા).
ગઠિયાઓ પાસે કબેજ કરેલી ચીજો
- સોનાની ચેન -૧
- ચાંદીના કડા-૪
- રિક્ષા-૧
- મોબાઇલ-૩
- રોકડા રૃ.૧૬૦૦૦