વડોદરામાં આ વર્ષે ગણેશોત્સવ નહી થાય, તા.23ના રોજ સરકારના પરિપત્રના વિરોધમાં રેલી
ગણેશોત્સવની પરંપરા જ બંધ થઇ જાય તેવા સરકારી પરિપત્રનો ભારે વિરોધ, ભાજપના કાર્યક્રમમાં મદદની જરૃર હોય ત્યારે દોડી આવતા નેતાઓ ચૂપ છે
વડોદરા : રાજ્યમાં ૩ મહિના બાદ ગણેશોત્સવની ઉજવણી થશે તે પહેલા રાજ્ય સરકારે બહાર પાડેલા પરિપત્રના કારણે ભડકો થયો છે અને ગણેશ મંડળોમાં ભારે વિરોધ થઇ રહ્યો છે. વડોદરમાં ગણેશ મંડળ એસોસિએશનની શુક્રવારે રાત્રે બેઠક મળી હતી જેમાં નક્કી કરાયુ છે કે જો સરકાર પરિપત્ર પરત નહી ખેંચે તો આ વખતે વડોદરામાં ગણેશોત્સવની ઉજવણી નહી થાય.
એસોશિએનના પ્રમુખ જય ઠાકોરે આ અંગે વાત કરતા કહ્યું હતું કે 'રાજ્ય સરકારનો પરિપત્ર છે કે પીઓપી અને ફાયબરની મૂર્તિ પાંચ ફૂટથી વધુ ઊંચાઇની ના હોવી જોઇએ અને માટીની મૂર્તિ ૮ ફૂટથી વધુ ઊંચાઇની ના હોવી જોઇએ. આશ્ચર્ય તો એ વાતનું છે કે જો મૂર્તિ ફાયબરની હોય તો તેની નગરચર્યા એટલે કે શોભાયાત્રા પણ નહી કાઢવાની. સરકાર હિન્દુ ધર્મ અને પરંપરાની વિરોધી હોય તેવુ હવે પ્રતિત થાય છે કેમ કે દર વર્ષે સરકાર ગણેશોત્સવને જ નિશાન બનાવ છે. દર વર્ષે આ પ્રકારના પરિપત્ર બહાર પાડીને ગણેશ મંડળોને, મૂર્તિકારોને અને સાઉન્ડ સિસ્ટમવાળાઓને ધમકાવવામાં આવે છે. સરકાર એવુ વાતાવરણ ઉભુ કરે છે કે દર વર્ષે ગણેશ મંડળો સ્થાનિક નેતાઓને કરગરે, તેના પગે પડે, વિનંતીઓ અને પ્રાર્થનાઓ કરે ત્યારે છેલ્લી ઘડીએ પરિપત્રમાં છૂટ આપે.'
ગણેશ મંડળોનો આક્ષેપ છે કે 'સરકાર હિન્દુ ધર્મ અને પરંપરા વિરોધી છે'