વડોદરામાં વહેલી પરોઢ સુધી શ્રીજી વિસર્જન ચાલ્યું,ઘર આંગણે પણ હજારો પ્રતિમાઓનું વિસર્જન

Updated: Sep 29th, 2023


Google NewsGoogle News
વડોદરામાં વહેલી પરોઢ સુધી શ્રીજી વિસર્જન ચાલ્યું,ઘર આંગણે પણ હજારો પ્રતિમાઓનું વિસર્જન 1 - image

વડોદરાઃ વડોદરામાં છેલ્લા દિવસે તળાવોમાં ગણેશજીની નાની-મોટી ૧૯ હજાર થી વધુ પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું.જે પરોઢિયે પાંચ વાગ્યા સુધી ચાલ્યું હતું.આ ઉપરાંત ઘર આંગણે અને શેરી,મહોલ્લાઓમાં પણ હજારોની સંખ્યામાં શ્રીજી વિસર્જન કરાયું હતું.

ઉત્સવપ્રિય નગરી વડોદરામાં દસ દિવસ માટે ગણેશોત્સવ ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવે છે.પોલીસ દ્વારા ગણેશ મંડળોને નોંધણી કરવા માટે અપીલ કરવામાં આવતી હોય છે.જેમાં ૧૮૦૦ જેટલી મોટી પ્રતિમાઓની નોંધણી કરવામાં આવી હતી.

પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલૌતે આ વખતે પોલીસને નાની-મોટી પ્રતિમાઓની નોંધ રાખવા માટે સૂચના આપી હતી.ગઇકાલે કૃત્રિમ તળાવો ઉપરાંત ખાનગી ધોરણે પણ બનાવવામાં આવેલા તળાવોમાં શ્રીજી વિસર્જન કરવામાં આવ્યું હતું.છેલ્લી મૂર્તિ પરોઢિયે પાંચ વાગે વિસર્જન થયા બાદ પોલીસે હાશ અનુભવી હતી.

આ ઉપરાંત દસ દિવસ દરમિયાન ઘરોના આંગણે, શેરી,મહોલ્લા અને સોસાયટી વિસ્તારોમાં લોકોએ કુંડ બનાવી,પીપ અને અન્ય વાસણોમાં નાની અને મધ્યમ પ્રતિમાઓનું વિસર્જન કર્યું હતું.જે હજારોની સંખ્યામાં હોય તેવું અનુમાન છે.આમ વડોદરામાં ગણેશોત્સવની લોકપ્રિયતા અનુભવી શકાય છે.


Google NewsGoogle News