વડોદરાવાસીઓએ શ્રીજીને ભાવભીની વિદાય આપી, ૧૦૦૦૦ જેટલી મૂર્તિઓનું વિસર્જન
વડોદરાઃ વડોદરામાં આજે ભક્તિભાવસભર માહોલમાં શ્રીજી વિસર્જનનું પર્વ ઉજવાયું હતું.૧૦ દિવસ સુધી વડોદરાનું આતિથ્ય માણનારા ગણપતિ બાપાને વિદાય આપવા માટે શહેરના વિવિધ તળાવો પર લાખો લોકોની જનમેદની ઉમટી હતી.
વડોદરામાં શ્રીજી વિસર્જન માટે નવલખી સહિત શહેરના વિવિધ વિસ્તારોમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ૮ કૃત્રિમ તળાવો બનાવવામાં આવ્યા હતા.આ તળાવોમાં સાંજે પાંચ વાગ્યા સુધીમાં દુંદાળાદેવની નાની મોટી ૩૦૦૦ કરતા વધારે મૂર્તિઓનુ વિસર્જન થયું હતું.એક અંદાજ પ્રમાણે મોડી રાત સુધીમાં ૧૦૦૦૦ જેટલી નાની મોટી મૂર્તિઓને શહેરમાં વિવિધ તળાવોમાં વિસર્જિત કરવામાં આવી હતી.
વડોદરા શહેરમાં આજે વિવિધ વિસ્તારોમાં ડીજે, બેન્ડવાજા, ઢોલ નગારા તેમજ ફટાકડાના ધૂમધડાકા સાથે વિસર્જન સવારીઓ નીકળી હતી.ગણપતિ બાપા મોરિયા..ના ગગનભેદી જયજયકાર સાથે લોકો વિસર્જન સવારીઓમાં નાચતા નજરે પડયા હતા.
શહેરના સંખ્યાબંધ રસ્તાઓ વિસર્જનના કારણે બંધ કરવામાં આવ્યા હતા.ઘણા યુવક મંડળોની વિસર્જન સવારીઓ બપોર પછી નીકળી હતી.દરેક તળાવ પર ક્રેન અને તરાપાની વ્યવસ્થા કરવામાં આવી હતી.ભગવાન ગણેશને વિદાય આપતી વખતે ઘણા લોકો ભાવુક બન્યા હતા તો ઘણાએ વડોદરા પર તાજેતરમાં આવેલા પૂર જેવી આફત ફરી ના આવે તેવી પણ પ્રાર્થના કરી હતી મોટાભાગના તળાવો પર મધરાત પછી પણ વિસર્જન ચાલુ રહ્યું હતું.