ગાંધીનગરના મોડેલ આરટીઓમાં ટેકનીકલ ખામીથી ફરી ટ્રેક બંધ
મોડેલ આરટીઓ ખરેખર નમૂનેદાર
બે દિવસથી ટેસ્ટીંગ ટ્રેક બંધ રહેતા અરજદારો અટવાયાઃ૫૦૦થી વધુ વાહનોનું વેઇટીંગ વધ્યું
કૌભાંડ અને છેલ્લા ઘણા વખતથી બંધ ટ્રેક-કામગીરીના કારણે
ચર્ચામાં રહેતા આરટીઓ તંત્ર દ્વારા આરટીઓમાં ટેકનીકલ ખામી વારંવાર સર્જાય છે. અગાઉ
સારથી સોફ્ટવેરમાં સુધારો કરવામાં આવ્યો છતા પણ સ્થિતિ ઠૈરની ઠૈર જ છે.ફરીવાર
ટેકનીકલ ખામી સર્જાવાતી ગઇકાલે વધુ એકવાર સર્વર ઠપ્પ થઇ ગયું હતું એટલુ જ નહીં, આજે સવારે પણ આ
સર્વર રિપેર કરવા માટે કે તેની ખામી દૂર કરવા માટે કોઇ તસ્દી લેવામાં આવી ન હોય
તેમ આજે પણ ટ્રેક બંધ હાલતમાં જ હતો.જેના કારણે ઓનલાઇન એપોઇન્ટમેન્ટ લઇને આવેલા
અરજદારોને પણ ધરમના ધક્કા થયા હતા. શનિવાર બપોર સુધી કોઇ ટેસ્ટ લેવામાં આવ્યા ન
હતા તો ઓનલાઇન એપોઇન્ટમેન્ટ લેવા સહિતના આરટીઓના અન્ય કામો પણ સર્વર ઠપ થઇ જવાને
કારણે શક્ય બન્યા ન હતા. આવી સ્થિતિમાં આરટીઓ તંત્ર ટેકનીકલ ખામી હોવાને કારણે
કામગીરી થઇ શક્તી નથી તેવા જવાબ આપીને અરજદારોને મનાવવાની સાથે જવાબદારીમાંથી
છટકતા જોવા મળતા હતા. તો બીજીબાજુ છેલ્લા બે દિવસથી ટ્રેક બંધ રહેવાને કારણે
ટેસ્ટીંગ માટે આવતા વાહનચાલકોને પરત ફરવું પડયું હતું. એટલુ જ નહીં, બે દિવસમાં ટુ
તથા ફોર વ્હિલરનું ૫૦૦થી વધુ વાહનોનું વેઇટીંગ વધ્યું છે તે દૂર કરવું પણ આગામી
દિવસોમાં મુશ્કેલ બનશે.
પોરબંદરના એઆરટીઓની ગાંધીનગર બદલી કરાઇઃજગ્યા 'ચાર્જ'માં જ ચલાવાશે
ગુજરાત રાજ્યનું પાટનગર હોવા છતા ગાંધીનગરની આરટીઓ કચેરીમાં
આસીસ્ટન્ટ આરટીઓની જગ્યા ચાર્જમાં જ ચલાવવામાં આવે છે. છેલ્લા આઠ મહિનાથી આ જગ્યા
ઉપર ઇન્સ્પેક્ટરને ચાર્જ આપવામાં આવ્યો હતો. ત્યારે ગઇકાલે વધુ એક ઓર્ડર કરવામાં
આવ્યો હતો જેમાં પોરબંદર આરટીઓમાં એઆરટીઓ તરીકે ચાર્જ ભોગવતા મોટર વાહન નિરીક્ષક
ડી.બી.વણકરને ગાંધીનગર એઆરટીઓ તરીકે બદલી કરવામાં આવી છે. અહીં પણ તેમને એઆરટીઓનો
હવાલો આપવામાં આવ્યો છે.