ધોરણ-10માં 87.22 ટકા પરિણામ સાથે ગાંધીનગર જિલ્લો રાજ્યમાં પ્રથમ

Updated: May 11th, 2024


Google NewsGoogle News
ધોરણ-10માં 87.22 ટકા પરિણામ સાથે ગાંધીનગર જિલ્લો રાજ્યમાં પ્રથમ 1 - image


એસ.એસ.સી.ની પરીક્ષામાં ૨૦,૨૯૨ પૈકીના ૧૭,૬૯૯ વિદ્યાર્થીઓ પાસ

એ-૧ ગ્રેડમાં ૬૦૮ બાળકોનો સમાવેશ થવાની સાથે ૨,૫૯૩ નાપાસ થયાં : જિલ્લાના ૩૪ કેન્દ્ર પૈકી દેલવાડનું સૌથી ઉંચું ૯૫.૨૨ ટકા અને સૌથી નીચું છત્રાલનું ૫૭.૪૭ ટકા પરિણામ આવ્યું

 ગાંધીનગર :  રાજ્યમાં ગત માર્ચ મહિનામાં લેવાયેલી ધોરણ ૧૦ની પરીક્ષાના પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તારીખ ૧૧મીએ જાહેર કરવામાં આવ્યાં તેમાં રાજ્યમાં સૌથી ઉંચું ૮૭.૨૨ ટકા પરિણામ ગાંધીનગર જિલ્લાનું આવ્યું છે. અહીં પરીક્ષા આપનાર ૨૦,૨૯૨ પૈકીના ૧૭,૬૯૯ વિદ્યાર્થીઓ પાસ થયાં છે. એ-૧ ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યામાં ધરખમ વધારા સાથે ૬૦૮ પર પહોંચી છે. સાથે ૨,૫૯૩ વિદ્યાર્થીઓ જ નાપાસ થયાં છે. દરમિયાન ગાંધીનગર જિલ્લામાં પરીક્ષા માટે નિયત કરવામાં આવેલા ૩૪ કેન્દ્રો પૈકી દેલવાડનું સૌથી ઉંચું ૯૫.૨૨ ટકા અને સૌથી નીચું છત્રાલનું ૫૭.૪૭ ટકા પરિણામ રહ્યાનું બોર્ડ દ્વારા જણાવવામાં આવ્યું છે.

રાજ્યના ૮૨.૫૬ ટકા પરિણામની સામે ગાંધીનગર જિલ્લાનું ૮૭.૨૨ ટકા પરિણામ આવ્યું છે. જે રાજ્યની સરખામણીએ ૪.૬૬ ટકા વધું છે. ઉપરાંત ગત વર્ષે જિલ્લાનું પરિણામ ૬૮.૨૫ ટકા આવ્યુ હતું. તેમાં આ વર્ષે ૧૯ ટકા જેવો વધારો નોંધાયો છે. સાથે જ તેજસ્વી વિદ્યાર્થીઓ મતલબ કે ૯૧થી ૧૦૦ ટકા પરિણામ મેળવનારાની સંખ્યામાં તો મોટો વધારો નોંધાયો છે. ગત વર્ષે એ-૧ ગ્રેડના વિદ્યાર્થીઓની સંખ્યા ૧૮૧ હતી અને આ વર્ષે ૬૦૮ નોંધાઇ છે. કોરોના કાળ બાદ શૈક્ષણિક કાર્યની શરૃઆત થયા પછી જિલ્લા શિક્ષણ તંત્ર, શાળાઓના આચાર્ય, શિક્ષકો, સંચાલકો, વાલીઓ અને વિદ્યાર્થીઓની કક્ષાએ જે મહેનત કરવામાં આવી તેના પગલે ગાંધીનગર જિલ્લાનું પરિણામ રાજ્યમાં સૌથી ઉંચું આવ્યાનું જિલ્લા શિક્ષણાધિકારી ડા. બી. એન. પ્રજાપતી દ્વારા જણાવવામાં આવ્યુ હતું. જોકે ગુજરાતમાં આવેલા પરંતુ કેન્દ્ર શાસિત પ્રદેશ એવા દિવ અને દમણનું પરિણામ ગાંધીનગર જિલ્લા કરતાં વધુ રહ્યું છે.

જિલ્લામાં બી-૨ ગ્રેડ મેળનારા વિદ્યાર્થીઓની સંખ્યા સૌથી વધુ નોંધાઇ

શૈક્ષણિક સ્તર કેવી રીતે ઉંચું આવ્યું તેની જાણકારી ગ્રેડના આધારે મળે છે. ગાંધીનગર જિલ્લામાં ગત વર્ષે સી-૧ ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા સૌથી વધુ રહી હતી. પરંતુ આ વર્ષે તેમાં ઘટાડો થયો હતો અને એક ગ્રેડ આગળ વધીને બી-૨ ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા સૌથી વધુ નોંધવામાં આવી છે. જિલ્લાના પરિણામમાં એ-૧થી લઇને ડી ગ્રેડ મેળવીને પાસ થયેલા ૧૭,૬૯૯ વિદ્યાર્થીઓમાં એ-૧ ગ્રેડમાં ૬૦૮, એ-૨ ગ્રેડમાં ૨૫૩૦ બી-૧ ગ્રેડમાં ૩૮૮૪ બી-૨ ગ્રેડમાં ૪૩૦૮ સી-૧ ગ્રેડમાં ૩૯૭૮ સી-૨ ગ્રેડમાં ૨૧૬૪ ડી ગ્રેડમાં ૨૭૭ વિદ્યાર્થીઓનો સમાવેશ થયો છે. જ્યારે નાપાસ થયેલા વિદ્યાર્થીઓમાં ઇ-૧ ગ્રેડમાં ૧૫૫૫ અને ઇ-૨ ગ્રેડમાં ૧૦૩૮ વિદ્યાર્થીઓનો સમાવેશ થયો હતો.

 ૯૧થી ૯૯ ટકા સુધીના પરિણામો ધરાવતી શાળાની સંખ્યામાં ધરખમ વધારો નોંધાયો

ગાંધીનગર જિલ્લામાં ૧૦ ટકા અને તેનાથી નીચું પરિણામ ધરાવતી શાળા ૧, ૧૧થી ૨૦ ટકા પરિણામ ધરાવતી શાળા ૨, ૨૧થી ૩૦ ટકા પરિણામ ધરાવતી શાળા ૫, ૩૧થી ૪૦ ટકા પરિણામમાં ૨, ૪૧થી ૫૦ ટકા પરિણામમાં ૬, ૫૧થી ૬૦ ટકા પરિણામમાં ૧૨, ૬૧થી ૭૦ ટકા પરિણામમાં ૨૨, ૭૧થી ૮૦ ટકા પરિણામમાં ૩૫, ૮૧થી ૯૦ ટકા પરિણામમાં ૭૫, ૯૧થી ૯૯ ટકા પરિણામમાં ૧૧૭ અને ૧૦૦ ટકા પરિણામ મેળવનારી શાળાની સંખ્યા ૫૪ નોંધાઇ છે. ત્યારે નોંધવું રહેશે કે ગત વર્ષે ૮૧થી ૯૦ ટકા પરિણામ ધરાવતી શાળાની સંખ્યા સૌથી વધુ નોંધાઇ હતી. પરંતુ આ વર્ષે ૯૦થી ૯૯ ટકા પરિણામ ધરાવતી શાળાની સંખ્યામાં મોટો વધારો નોંધાયો છે.

 પરિણામ ૧૦૦ ટકા મેળવનારી શાળાની સંખ્યા ૫૪ પર પહોંચી છતાં ૧ શાળાનું પરિણામ શુન્ય

પરિણામ ૧૦૦ ટકા આવ્યુ હોય તેવી શાળાની સંખ્યા ૧૨ના વધારા સાથે આ વર્ષે ૫૪ પર પહોંચી છે. છતાં એક શાળાનું પરિણામ શુન્ય પણ રહ્યું છે. જોકે એ વાત નોંધવી રહેશે કે શુન્ય પરિણામ મેળવનારી શાળાઓની સંખ્યા ગત વર્ષે ૪ નોંધાઇ હતી. તેમાં આ વર્ષે ૩નો ઘટાડો થયો છે. બીજી બાજુ ૩૦ ટકાથી ઓછું પરિણામ આવ્યુ હોય તેવી શાળાની સંખ્યા વર્ષ ૨૦૨૪માં ૭ નોંધાઇ છે. પરંતુ વર્ષ ૨૦૨૩માં આવી શાળાની સંખ્યા ૧૭ હતી. મતલબ કે નબળુ પરિણામ લાવતી શાળાની સંખ્યામાં૧૦નો ઘટાડો થયો હતો.

  ગાંધીનગર જિલ્લામાં નિયત કરાયેલા ૩૪ કેન્દ્રોના પરિણામ

નાદોલ ૯૧.૩૪ ટકા, દહેગામ ૯૦.૧૪ ટકા, રખિયાલ સ્ટેશન ૭૮.૧૦ ટકા, બહિયલ ૮૯.૮૫ ટકા, શેરથા ૭૭.૫૮ ટકા, ગાંધીનગર ૮૯.૬૭ ટકા, છાલા ૯૨.૭૮ ટકા, ઝીંડવા ૯૨.૫૫ ટકા, કલોલ ૮૫.૬૦ ટકા, માણસા ૭૭.૮૬ ટકા, અડાલજ ૮૮.૫૪ ટકા, આજોલ ૮૦.૧૨ ટકા, ડભોડા ૮૭.૫૮ ટકા, સોજા ૯૨.૩૪ ટકા, સરઢવ ૭૬.૪૯ ટકા, કનીપુર ૮૭.૩૭ ટકા, ચાંદખેડા ૮૪.૫૨ ટકા, કડજોદરા ૮૯.૯૭ ટકા, મગોડી ૯૦.૭૬ ટકા, લોદ્રા ૮૨.૮૨ ટકા, મોટેરા ૮૯.૨૨ ટકા, ખરણા ૮૯.૭૩ ટકા, દેલવાડ ૯૫.૧૨ ટકા, મોટા આદરજ ૮૯.૬૩ ટકા, વલાદ ૭૯.૪૫ ટકા, લવારપુર ૯૩.૭૯ ટકા, છત્રાલ ૫૭.૪૭ ટકા, પુન્ધ્રા ૮૯.૯૨ ટકા, અમરાપુર ૯૩.૯૩ ટકા, લીમ્બોદ્રા ૮૯.૭૩ ટકા, રાયસણ ૮૮.૦૭ ટકા, પલસાણા ૭૭.૧૩ ટકા અને ચરાડા કેન્દ્રનું પરિણામ ૯૨.૭૪ ટકા આવ્યું છે.


Google NewsGoogle News