ગાંધીનગર જિલ્લો કોલેરા રોગચાળાના ભરડામાં
છુટાછવાયા સાત કેસ મળી આવતા જિલ્લાનું આરોગ્ય તંત્ર દોડતું
થયું
કલોલ અને પેથાપુર ઉપરાંત દહેગામ તથા મોટી શિહોલીમાંથી કોલેરાના પોઝિટિવ કેસ મળી આવતા આરોગ્ય તંત્રએ કોલેરાગ્રસ્ત જાહેર કર્યું
ઉનાળામાં તડકા-ગરમીને કારણે પાણીમાં ક્લોરીનેશનની માત્રા
ઓછી થઇ જતી હોય છે આ ઉપરાંત લીકેજીસને કારણે પણ પાણી ડોહળું અને અશુધ્ધ આવવાની
ફરિયાદો આ દિવસોમાં વધુ રહે છે જેના કારણે ઉનાળામાં ઝાડા ઉલ્ટી સહિત પાણીજન્ય
રોગચાળો ફાટી નિકળવાની દહેશત રહેતી હોય છે. જો કે, આ વખતે ઉનાળો લગભગ પુરો થવા આવ્યો હોવા છતા છુટાછવાયા ઝાડા
ઉલ્ટીના કેસ સિવાય કોઇ વિસ્તારમાં રોગચાળો સામે આવ્યો ન હતો. ત્યારે ગઇકાલે એક જ
દિવસમાં સિવિલમાં દાખલ ઝાડા ઉલ્ટીના છ દર્દીના કોલેરા રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર
દોડતું થઇ ગયું છે. આરોગ્ય વિભાગને જાણ થતા આ તમામ છ પોઝિટિવ દર્દીના રહેણાંક
વિસ્તારની બે કિલોમીટર વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરવા માટે કલેક્ટરને ભલામણ
કરવામાં આવી હતી જેના પગલે જિલ્લા કલેક્ટર મેહુલ દવે દ્વારા ગઇકાલે રાત્રે જ
ગાંધીનગરના પેથાપુરમાં આવેલા નવા વણકરવાસના બે કિમી વિસ્તારને કોલેરાગ્રસ્ત
માટેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું.
આવી જ રીતે કલોલ શહેરના ગાયનો ટેકરો વિસ્તાર, દહેગામ શહેરનો
એસટી ડેપો પાછળનો ખાડા વિસ્તાર તથા ગાંધીનગર તાલુકાના મોટી શિહોલી ગામના વિસ્તારને
કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યું છે અને આ અસરગ્રસ્ત વિસ્તારમાં કોલેરા નિયંત્ર
માટેની જવાબદારી પણ સ્થાનિક અધિકારીઓને સોંપવામાં આવી છે. તો બીજીબાજુ આરોગ્ય
વિભાગ દ્વારા પણ આ તમામ ચાર કોલેરાગ્રસ્ત વિસ્તારમાં આજે સવારથી જ સર્વેલન્સ સહિત
ઓઆરએસ અને ટેબલેટ વિતરણની કામગીરી કરવામાં આવી હતી.