બદલી કરવાના નામે નર્મદા નિગમ લીમીટેડના નિવૃત કર્મચારીએ લાખો રૂપિયા પડાવ્યા!

જીઇબીના કર્મચારીને ઇરીગેશનમાં બદલીનું કહીને 10 થી 15 લાખ લીધા બાદ હાથ ઉંચા કર્યા

અન્ય લોકો સાથે પણ લાખો રૂપિયા લીધાનું સામે આવતા આગામી દિવસોમાં પિડીતો પોલીસ કાર્યવાહી થશે

Updated: Oct 23rd, 2023


Google NewsGoogle News
બદલી કરવાના નામે નર્મદા નિગમ લીમીટેડના  નિવૃત   કર્મચારીએ લાખો રૂપિયા પડાવ્યા! 1 - image

ગાંધીનગર, સોમવાર

ગાંધીનગરમાં આવેલી વિવિધ સરકારી કચેરીઓમાં  બદલી કરાવવાના નામે સમગ્ર ગુજરાતમાં અનેક  લોકો રીતસરનું કૌભાંડ ચલાવતા હોય છે.  જેમાં ગાંધીનગરમાં નોકરી કરતા કેટલાંક લાલચુ કર્મચારીઓ અન્ય જિલ્લાઓમાં કર્મચારીઓને ગેરમાર્ગે દોરીને પ્રમોશન અને બદલીના નામે લાખો રૂપિયા પડાવતા હોય છે. ત્યારે ગાંધીનગર સરદાર સરોવર નર્મદા નિગમના એક પૂર્વ અને હાલમાં નિવૃત કર્મચારીએ વર્ષ  2019માં ગુજરાત વીજ બોર્ડના એક કર્મચારીની પત્નીને તેના પતિની બદલી ઇરીગેશન વિભાગમાં  કરાવવાનું કહીને ઉચ્ચ અધિકારીઓને નાણાં અપાવવાનું કહીને તબક્કાવાર 10 થી 15 લાખ જેટલી રકમ ઉઘરાવી હતી. પરંતુ,  નાણાં લીધા બાદ કોઇ બદલીની કામગીરી થતી નહોતી. જે બાદ કોવિડ અને અન્ય કારણ આપ્યું હતું.  જો કે દબાણ વધતા બદલીનો ઓર્ડર તૈયાર હોવાનું કહીને વાત ટાળવાનો પ્રયાસ કરાયો હતો. આ દરમિયાન એક વર્ષ પહેલા  નિગમના કર્મચારીનો ભાંડો ફુટતા નાણાં વ્યાજ સાથે પરત આપવાની વાત કરીને છેતરપિંડી આચરી હતી. આ  જે બાદ એવી પણ વિગતો બહાર આવી હતી કે આ કર્મચારીએ  બદલીના નામે તેના ઉચ્ચ અધિકારીઓ સાથે મળીને મોટા પ્રમાણમાં અનેક લોકો સાથે વિવિધ સરકારી વિભાગોના નામે લાખો રૂપિયાની છેતરપિંડી આચરી હતી. ત્યારે આવનારા સમયમાં આ કૌભાંડને લઇને ભોગ બનનારાઓ દ્વારા ગાંધીનગર પોલીસમાં ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવશે. જેમાં માત્ર છેતરપિંડી આચરનાર કર્મચારી જ નહી પણ તેની સાથે સંકળાયેલા અન્ય ઉચ્ચ અધિકારીઓના નામ પણ બહાર આવે તેવી શક્યતા છે.


Google NewsGoogle News