ગળતેશ્વરના કુણી ગ્રામ પંચાયતના ત્રણ ગામોને જોડતો રસ્તો સાવ તૂટી ગયો
- અવરજવર માટે એકમાત્ર રસ્તો હોવાથી ત્રણેય ગામના લોકો પરેશાન વહેલી તકે રિપેરીંગ જરૂરી
ગળતેશ્વર, તા.21 ડિસેમ્બર 2019, શનિવાર
ગળતેશ્વર તાલુકાના છેવાડા ગામ કુણીગ્રામ પંચાયતના ત્રણ ગામોને જોડતો રસ્તો બિસ્માર બન્યો છે.ત્રણ ગામોમાં જવા માટેનો એક જ રસ્તો રસ્તો હોવાના કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે.તેમજ રસ્તામાં આવેલ ડીપમાં ચોમાસા દરમ્યાન વરસાદી પાણી હોવાના કારણે લોકોને પસાર થવુ જોખમી સાબિત થાય છે.
ગળતેશ્વર તાલુકાના છેવાડા ગામ કુણી ગ્રામ પંચાયતના વાડીનાથ,મોકાના મુવાડા અને ટેકરાના મુવાડા ના લોકોને જવા આવવા માટેનો એક મુખ્ય માર્ગ છે. હડમતીયા થી વાડીનાથ જવાનો ૨ કિ.મીનો રસ્તો છે.આ રસ્તા પર છેલ્લા ઘણા સમયથી મોટા ખાડા પડી જવાના કારણે રસ્તો બિસ્માર બન્યો છે.ચોમાસામાં આ રસ્તા પરથી અઠવાડિયા સુધી વરસાદી પાણી વહે છે.જેના કારણે રસ્તો તુટી જાય છે. ચોમાસા દરમ્યાન શેઢી નદીનુ પાણી આવે ત્યારે આ રસ્તા પરથી પસાર થાય છે. પાણી રસ્તા પરથી વહેવાના કારણે ડામર રોડ તુટી જાય છે.
ચોમાસુ વિત્યાને ઘણો સમય થવા થતા રોડની મરામત કરવામાં આવી ન હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે.અમદાવાદ-ઇન્દોર એકસપ્રેસ હાઇવે ઉપર આવેલ હડમતીયા ગામ થી વાડીનાથ જવાનો એક માત્ર રસ્તો છે.તેમજ વાડીનાથ, મોકાના મુવાડા અને ટેકરાના મુવાડા ગામોના લોકોનો મુખ્ય રસ્તો છે.મુખ્ય રસ્તો હોવાના કારણે ગ્રામજનો અવર જવર કરે છે.તેમજ આ રસ્તા પર શેઢી નદીના પુલનો ડીપ આવેલ છે.આ ડીપમાં ચોમાસા દરમ્યાન વરસાદી પાણી સતત વહ્યા કરે છે. ઘણીવાર વધુ વરસાદ થવાના કારણે ડીપમાંથી પસાર થવુ ગ્રામજનો માટે મુશ્કેલી સર્જાય છે.
આ અંગે એક જાગૃત નાગરિકે જણાવ્યુ હતુ કે આ ડીપને આશરે પાંચ ફુટ ઉંચો બનાવવામાં આવે તો કાયમી મુશ્કેલીનો અંત આવી શકે છે.શેઢી નદીના પાણીનુ સ્તર વધે તો આ ત્રણ ગામો સંપર્ક વિહોણા બને છે.આ ડીપ ઉંચો બનાવવામાં આવે તેવી માંગમાર્ગ અને મકાન વિભાગ,જિલ્લા પંચાયત પ્રમુખ,જિલ્લા વિકાસ અધિકારી, તાલુકા કક્ષાએ પણ વખતો વખત રજૂઆત કરવામાં આવી હોવાનુ જણાવ્યુ હતુ. સ્થાનિક નાગરિકે ઉમેર્યુ હતુ કે રસ્તો નવો બનાવવામાં આવે અને રસ્તામાં આવેલ ડીપને આશરે પાંચ ફુટ બનાવવાની માંગ કરાઇ છે.જો તંત્ર દ્વારા અમારી માંગ સ્વીકારવામાં નહી આવે તો આવનાર સમયમાં ગાંધીચિન્ધયા માર્ગ અપનાવી આંદોલન કરીશુ તેવી ચિમકી ઉચ્ચારી છે.