બે વર્ષથી ધૂળ ખાતા MSUના નવા પરીક્ષા ભવન માટે એક કરોડનું ફર્નિચર ખરીદવાની હિલચાલ
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની હેડ ઓફિસની પાછળના ભાગમાં બનાવાયેલું અને હવે પરીક્ષા ભવન તરીકે ઓળખાતું નવું બિલ્ડિંગ બે વર્ષથી ધૂળ ખાઈ રહ્યું છે.સત્તાધીશોએ હવે આ બિલ્ડિંગના ઉદઘાટન માટે હિલચાલ શરુ કરી છે.
મળતી વિગતો પ્રમાણે પરીક્ષા ભવન માટે એક કરોડ રુપિયાનુ ફર્નિચર ખરીદવામાં આવે તેવી શક્યતાઓ છે.ફર્નિચર આવી ગયા બાદ તેનુ ઉદઘાટન પણ કરવામાં આવી શકે છે.યુનિવર્સિટીનો પરીક્ષા વિભાગ અત્યારે હેડ ઓફિસમાં જ્યાં કાર્યરત છે ત્યાં જગ્યા ઓછી પડે છે.ખાસ કરીને ઉત્તરવહીઓની ચકાસણી માટે વિવિધ ફેકલ્ટીઓના સેન્ટ્રલ એસેસમેન્ટ સેલને જગ્યા ફાળવવામાં મુશ્કેલી પડે છે.
જેને લઈને તત્કાલીન વાઈસ ચાન્સેલર પ્રો.પરિમલ વ્યાસના કાર્યકાળમાં યુનિવર્સિટીની હેડ ઓફિસની પાછળ નવી ઈમારત બનાવવાનું નક્કી કરાયું હતું.ચાર કરોડના ખર્ચે બનેલી ઈમારત બે વર્ષથી તૈયાર થઈને પડી છે.તેનું ઈલેક્ટ્રિફિકેશન પણ એક વર્ષ પહેલા થઈ ગયું છે.જોકે હજી સુધી આ બિલ્ડિંગ ધૂળ ખાઈ રહ્યું છે.આ બિલ્ડિંગની આસપાસ સફાઈ પણ કરવામાં આવતી નથી અને તેના કારણે કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે.
એવી ચર્ચા છે કે, આગામી દિવસોમાં તેનું ઉદઘાટન થઈ શકે છે.આ બિલ્ડિંગ માટે એક કરોડનું ફર્નિચર ખરીદવાની હિલચાલ થઈ રહી છે.
એ પછી આ બિલ્ડિંગમાં તમામ સેન્ટ્રલ એસેસમેન્ટ સેલ કાર્યરત કરાશે.તેની સાથે સાથે ટેબ્યુલેશન અને ડેટા એન્ટ્રીની કામગીરી પણ આ જ બિલ્ડિંગમાં થશે.