Get The App

અલકાપુરીમાં હજારો પોપટનું રહેઠાણ બનેલા વડલા પર ફૂગના કારણે તોળાતો ખતરો

Updated: Nov 6th, 2024


Google NewsGoogle News
અલકાપુરીમાં  હજારો પોપટનું રહેઠાણ બનેલા વડલા પર ફૂગના કારણે તોળાતો ખતરો 1 - image

વડોદરાઃ વડના વૃક્ષો વડોદરાની આગવી ઓળખ છે.સમયની સાથે વડના વૃક્ષોની સંખ્યા ઘટી પણ છે.આમ છતાં શહેરના સંખ્યાબંધ વિસ્તારોમાં વડના ઘટાદાર વૃક્ષો દાયકાઓ બાદ પણ અડીખમ ઉભેલા જોવા મળે છે.શહેરનો અલકાપુરી વિસ્તારના આરસી દત્ત રોડ પર પણ વડના ૫૦ કરતા વધારે વૃક્ષો છે.જે હજારો પોપટો સહિતના પક્ષીઓનો  પ્રાકૃતિક આવાસની પણ ગરજ સારે છે.

જોકે  વડના વૃક્ષોના થોડા સમય પહેલા થયેલા આડેધડ ટ્રિમિંગ બાદ તેના પર ફૂગ લાગવા માંડી છે.જેણે આ વૃક્ષોના અને તેની સાથે પક્ષીઓના રહેઠાણ પર પણ જોખમ ઉભું કર્યું છે.એમ.એસ.યુનિવર્સિટીના બોટની વિભાગના વરિષ્ઠ અધ્યાપક ડો.પી એસ નાગરનું કહેવું છે કે, ગઈકાલે હું અહીંથી પસાર થઈ રહ્યો હતો અને મારી નજર આ વૃક્ષો પર પડી હતી.આ વૃક્ષોની ડાળીઓ જ્યાંથી કાપવામાં આવી છે ત્યાં ફૂગ જોવા મળી રહી છે.સામાન્ય રીતે વૃક્ષોને જ્યાંથી કાપવામાં આવે ત્યાંનો હિસ્સો સૂકો પડવા માંડે છે અને તે ભાગમાં એસ્પરજિલસ નામની ફૂગ બાઝવા માંડે છે.જે સમયની સાથે વૃક્ષના અન્ય હિસ્સામાં પણ પ્રસરે છે.રાતોરાત નહીંં તો થોડા વર્ષોમાં આ ફૂગ વૃક્ષને ખતમ કરી નાંખે છે.

ડો. નાગરના કહેવા પ્રમાણે અલકાપુરીના આરસી દત્ત રોડ પરના સેંકડો વૃક્ષો પર ફૂગ જોવા મળી રહી છે.હકીકતમાં વૃક્ષોને ટ્રિમ કરતી વખતે કપાયેલા હિસ્સાને બોર્ડેક્ષ મિક્સચર કે કોપર સલ્ફેટની ટ્રીટમેન્ટ આપવામાં આવે છે.ઘણી જગ્યાએ હની વેક્સ તેમજ સંતરાની છાલમાંથી નીકળતા રસનું તેલ પણ લગાવવામાં આવે છે.આ વૃક્ષોનું આગવું મહત્વ એટલા માટે પણ છે કે, તે હજારો પોપટોનું ઘર છે.નજીકના વર્ષોમાં વડના વૃક્ષો ખતમ થશે તો આ પક્ષીઓ પણ પોતાનું ઘર ગુમાવશે.

દસેક વર્ષ પહેલા ગણતરી કરવામાં આવી હતી 

વડના વૃક્ષો પર ૨૦૦૦૦ કરતા વધારે પોપટો રહે છે

રોઝ રિંગ પેરોટ તરીકે ઓળખાતા પોપટો સવારે ખોરાકની શોધમાં ઉડી જાય છે અને સૂર્યાસ્ત ટાણે પાછા ફરે છે 

લગભગ દસેક વર્ષ પહેલા  વડના આ વૃક્ષો પર કેટલા પોપટો રહે છે તેની ગણતરી એમ.એસ.યુનિવર્સિટીના ઝૂલોજી વિભાગના અધ્યાપકો અને વિદ્યાર્થીઓની ટીમે કરી હતી.તે વખતે એવું અનુમાન લગાવવામાં આવ્યું હતું કે, ૨૦૦૦૦ જેટલા પોપટો આ વૃક્ષો પર રહે છે.ડિપાર્ટમેન્ટના નિવૃત્ત પ્રોફેસર ગીતા પડતે કહે છે કે, આ વૃક્ષો પર રહેતા પોપટો રોઝ રિંગ પેરોટ એટલે કે કાંઠલાવાળા પોપટ તરીકે ઓળખાય છે.તેઓ રોજ સવારે વહેલી સવારે ખોરાકની શોધમાં ઉડી જાય છે અને સાંજે સૂર્યાસ્ત સમયે આ વૃક્ષો પર પાછા ફરે છે અને રાતવાસો કરે છે.દાયકાઓથી આ ક્રમ જળવાઈ રહ્યો છે મુખ્યત્વે આ પોપટો આસપાસના ગ્રામ્ય વિસ્તારના ખેતરોમાં મકાઈ, સન ફ્લાવર, જામફળ જેવા ખોરાક પર નભે છે.ખોરાકની શોધમાં તેઓ ૨૦ થી ૨૫ કિલોમીટર સુધી આસાનીથી ઉડી શકે છે.રોજ સવારે અને સાંજે આર સી દત્ત રોડ પોપટોના કલવરથી ગાજી ઉઠે છે.

રસ્તો પહોળો કરવાના નામે વૃક્ષો કાપવાની યોજના હતી 

૨૦૧૭-૧૮માં રસ્તો પહોળો કરવાના નામે  આર સી દત્ત રોડ પર સરકિટ હાઉસ તરફ આવેલા આ વૃક્ષોનું નિકંદન કાઢવાનો તખ્તો પણ ગોઠવાયો હતો.જોકે કોર્પોરેશન સામે પ્રકૃતિ પ્રેમીઓએ વિરોધ કર્યો હતો અને તે વખતે આ યોજના પડતી મૂકવામાં આવી હતી.જોકે હવે આડેધડ ટ્રિમિંગના કારણે ઝાડની ડાળીઓ કાપવામાં આવી છે અને તે પણ વૃક્ષોના અસ્તિત્વ માટે હાનિકારક છે.તાજેતરમાં પીએમ મોદી અને સ્પેનના પીએમ સાન્ચેઝના વડોદરા પ્રવાસને ધ્યાનમાં રાખીને આ વૃક્ષો પર એલઈડી લાઈટોથી શણગાર કરાયો હતો.પ્રકૃતિ પ્રેમીઓનું કહેવું છે કે, તેના કારણે પણ હજારો પક્ષીઓની રાતની ઉંઘ બગડી હશે,



Google NewsGoogle News