દવાના બોક્સમાં દારૃના જથ્થાની ટેમ્પામાં હેરાફેરી ઃ એક શખ્સની ધરપકડ
વોટ્સએપ પર મળતાં લોકેશન મુજબ ડ્રાઇવર જતો હતો ઃ ૧૨.૮૯ લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો
વડોદરા, તા.10 લુધીયાણાથી અમદાવાદ તરફ દારૃનો જથ્થો ભરેલો ટેમ્પો પહોંચે તે પહેલાં જ વડોદરા નજીક એક્સપ્રેસ હાઇવેના ટોલનાકા પાસે બંધ બોડીના ટેમ્પાને ઝડપી પાડી દારૃની ૨૮૪૪ બોટલોના જથ્થા સાથે જિલ્લા પોલીસે એક શખ્સને ઝડપી પાડયો હતો.
આ અંગેની વિગત એવી છે કે સફેદ રંગનો બંધ બોડીનો એક ટેમ્પો વડોદરાથી અમદાવાદ તરફ જવાનો છે તેવી બાતમીના આધારે જિલ્લા એલસીબીની ટીમે આસોજ પાસે આજે વહેલી સવારે વોચ ગોઠવી હતી. બાતમી મુજબનો ટેમ્પો આવતા તેને રોકી તપાસ હાથ ધરતાં દવાઓના ખાલી બોક્સમાંથી રૃા.૫.૭૭ લાખની કિંમતનો દારૃનો જથ્થો મળ્યો હતો. પોલીસે દારૃનો જથ્થો, ટેમ્પો, ૫૦ દવાઓના ખાલી બોક્સ, જીપીએસ ટ્રેકર, મોબાઇલ મળી કુલ રૃા.૧૨.૮૯ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
ટેમ્પાના ચાલક હનુમાનરામ સુખરામરામ બિશ્નોઇ (રહે.રાવલીનાડી, તા.ગુડામાલાની, જિલ્લો બાડમેર, રાજસ્થાન)ની અટકાયત કરી પોલીસે પૂછપરછ કરતાં લુધીયાણાથી દારૃ ભરેલો ટેમ્પો ઉમેશ જાટ (રહે.ચૌટન, તા.ઘોરીમન્ના, જિલ્લો બાડમેર)એ તેના ડ્રાઇવર મારફતે આપ્યો હતો અને ત્યાંથી નીકળી મને વોટ્સએપ મેસેજની મળતા લોકેશન મુજબ અમદાવાદ જવાનું હતું. પોલીસે આ અંગે મંજુસર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.