મહારાષ્ટ્ર-ગોવા બોર્ડરથી દારૃ લઇને આવતાં ટેમ્પાની સાથે એક ઝડપાયો
ટેમ્પામાં દવા છે તેમ ડ્રાઇવરે કહ્યું, બિલ્ટી ચેક કરતાં ઇલેક્ટ્રોનિક્સ સામાનનો ઉલ્લેખ અને ટેમ્પામાંથી દારૃ મળ્યો
કરજણ, તા.૯ કરજણ તાલુકાના નેશનલ હાઈવે ૪૮ પર આવેલા ભરથાણા ટોલનાકા પાસેથી આઈશર ટેમ્પોમાં લઈ જવાતો રૃા.૪૮ લાખ ઉપરાંતનો વિદેશી દારૃનો જંગી જથ્થો જિલ્લા પોલીસે ઝડપી પાડયો હતો. પોલીસે બે મોબાઈલ તેમજ ટેમ્પો મળી કુલ રૃા.૫૮ લાખનો મુદ્દામાલ કબજે કરી ટેમ્પોના ચાલક ની અટકાયત કરી હતી.
કરજણ ભરથાણા ટોલનાકા પર વડોદરા એલસીબીની ટીમ વાહન ચેકિંગમાં હતી. ત્યારે ભરૃચ તરફથી એક આઈશર ટેમ્પો આવતા તેને રોકી ચાલકની પૂછપરછ કરતાં તેણે પોતાનું નામ લાલચંદ્ર લાલજી ડાંગી (રહે.ડાંગિયો કા મહોલ્લા, તા.વલ્લભનગર જિ.ઉદેપુર,રાજસ્થાન) જણાવ્યું હતું. તેમજ ટેમ્પોમાં દવાનો સામાન ભરેલો હોવાનું પોલીસને કહ્યું હતું. પોલીસે ડ્રાઇવર પાસેની બિલ્ટી ચેક કરતાં તેમાં ઇલેક્ટ્રોનિક સામાનનો ઉલ્લેખ હતો જેથી પોલીસને શંકા જતાં ટેમ્પો કરજણ પોલીસ સ્ટેશને લઈ જવાયો હતો. જ્યાં ટેમ્પોની પાછળના બંધ બોડીના દરવાજાને મારેલું સીલ તોડીને તપાસ કરતાં અંદર મોટા જથ્થામાં દારૃના બોક્સ જોવા મળ્યા હતાં.
પોલીસે દારૃના જથ્થા વિશે પૂછપરછ કરતાં આ જથ્થો દેવીલાલ ડાંગી (રહે. ઉદેપુર) નામના શખ્સે ફોનથી સંપર્ક કરી ગોવા તથા મહારાષ્ટ્રની બોર્ડર ઉપર આવેલા બાંદા ખાતે દારૃનો જથ્થો ભરેલો ટેમ્પો અને બિલ્ટી આપી હતી. પોલીસે રૃા.૪૮,૦૪,૮૦૦ કિંમતનો વિદેશી દારૃનો જથ્થો તેમજ રૃા.૧૦ લાખનો આઈશર ટેમ્પો મળી કુલ રૃા.૫૮,૧૫,૮૦૦નો મુદ્દામાલ જપ્ત કરી ટેમ્પો ચાલકની અટકાયત કરી દારૃ મંગાવનાર તેમજ મોકલનાર મળી કુલ ત્રણ ઈસમો વિરુદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.