Get The App

નજીવી બાબતે યુવકની હત્યા કરી ફરાર આરોપી ઝડપાયો

Updated: Dec 1st, 2024


Google NewsGoogle News
નજીવી બાબતે યુવકની હત્યા કરી ફરાર આરોપી ઝડપાયો 1 - image


કોઠારીયા મેઈન રોડ વિસ્તારમાં

આરોપીને પકડવા ૯ ટીમો બનાવવામાં આવી હતી, ભક્તિનગર પોલીસે દબોચી લીધો

રાજકોટ :  આનંદનગર કોલોની કવાર્ટરની પાછળ આવેલા ગીતાંજલી પાર્ક-ર શેરી નં.૭માં રહેતાં અને કોઠારીયા ચોકડી પાસે રામનગર શેરી નં.૧માં હાર્ડવેરના હેન્ડલ અને પાર્ટ બનાવવાનું કારખાનું પિતા અને ભાઈ સાથે સંભાળતા હાર્મિસ હંસરાજભાઈ  ગજેરા (ઉ.વ.ર૮)ની ગઈકાલે રાત્રે કોઠારીયા મેઈન રોડ પર ખોડિયાર ટી સ્ટોલ પાસે છરીના ચાર ઘા ઝીંકી હત્યા કરી ભાગી ગયેલા આરોપી ફાઈનાન્સર દોલતસિંહ ઉર્ફે દોલુ ભાવસિંહ સોલંકીને પકડવા માટે પોલીસની નવ ટીમો કામે લગાડવામાં આવી હતી. જેમાંથી ભક્તિનગર પોલીસે રાત્રે ઝડપી લઈ ઘનિષ્ઠ પૂછપરછ શરૃ કરી હતી.

ક્રાઈમ બ્રાંચના એસીપી ભરત બસીયાના માર્ગદર્શન હેઠળ ક્રાઈમ બ્રાંચની ચાર, એસઓજીની એક ઉપરાંત એલસીબી ઝોન-૧ની એક અને ભક્તિનગર પોલીસની ત્રણ ટીમો આરોપીની પાછળ પડી હતી.  આ તમામ ટીમોએ આરોપીની જયાં-જયાં ઉઠક-બેઠક છે ત્યાં અને સગા સંબંધીઓને ત્યાં તપાસ કરી હતી. આખરે ભક્તિનગર પોલીસે આરોપીને ઝડપી લીધો હતો.  આરોપી રણુંજાનગર શેરી નં.૯માં રહે છે તેમ પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.

મૃતકનો ભાઈ રાધીક (ઉ.વ.૩૦) મિકેનીકલ એન્જીનિયર છે. તેણે પોલીસને જણાવ્યું કે તે અને તેનો ભાઈ ઉપરાંત મિત્રો ખોડિયાર  ટી સ્ટોલે બેઠક ધરાવે છે. જેની ઉપર જ આરોપીની ઓફિસ છે. જેથી તે કોમ્પલેક્ષની સીડી પાસે પાંચેક દિવસ પહેલા તે અને તેનો ભાઈ બેઠા હતા ત્યારે આરોપીએ અહીં શું કામ ઉભા છો કે બેસો છો તેમ કહી તેના ભાઈ હાર્મિસ સાથે ઝઘડો કરી, ગાળો ભાંડી હતી. જેથી તે વખતે તે અને તેનો ભાઈ હાર્મિસ બીકના કારણે ત્યાંથી જતા રહ્યા હતા. ગઈકાલે શરૃઆતમાં તે તેની બેઠકના સ્થળે બેઠો હતો ત્યારે આરોપીએ કોમ્પલેક્ષમાંથી નીચે ઉતરી તેની સાથે ઝઘડો કર્યો હતો.

એટલું જ નહીં આવેશમાં આવી હમણાં આવું છું તેમ કહી ઓફિસ તરફ ગયો હતો. પાછળથી તેનો ભાઈ હાર્મિસ આવી જતાં તેની સાથે વાતો કરતો હતો ત્યારે આરોપી છરી લઈ આજે તો તમને પતાવી જ દેવા છે તેમ કહી ઘસી આવ્યો હતો. જેને કારણે બંને ભાઈઓ ત્યાંથી ભાગવા લાગ્યા હતા. ત્યારે આરોપીએ પીછો પકડી તેના ભાઈ હાર્મિસને આંતરી લઈ અને આજે તને જીવતો રહેવા દેવો નથી તેમ કહી છાતીના વચ્ચેના ભાગે, ડાબા પડખાના ભાગે અને વાંસાના ભાગે ચાર ઘા છરીના ઝીંકી દીધા હતા. એટલું જ નહીં તેની પાછળ પણ છરી લઈ દોડયો હતો. પરંતુ ત્યાં સુધીમાં તેના મિત્રો આવી જતાં અને બીજા માણસો પણ ભેગા થઈ જતાં આરોપી ભાગી ગયો હતો.

હત્યાનો ભોગ બનનાર હાર્મિસના ચાર વર્ષ પહેલા જ લગ્ન થયા હતા. તેની પત્નીનું નામ માનસી છે. સંતાનમાં બે વર્ષની પુત્રી છે. જે હવે પિતા વિહોણી બની ગઈ છે. જુવાનજોધ પુત્રના મોતથી પરિવાર ઉપર આભ તૂટી પડયું હતું.


Google NewsGoogle News