અકોટાના મકાનનો રૃ.97 લાખમાં સોદો કરી માત્ર રૃ 3.45 લાખ જ ચૂકવ્યા
વડોદરાઃ અકોટા વિસ્તારના મકાનનો સોદો કરનાર દંપતીએ રૃપિયા નહિં ચૂકવી છેતરપિંડી કરતાં પોલીસે ગુનો નોંધ્યો છે.
સલાટવાડા વિસ્તારમાં રહેતા મેઘાબેન પટેલે પોલીસને કહ્યું છે કે,મારા સસરાનું અકોટાની અલકા સોસાયટીમાં મકાન આવેલું છે.મારા પતિ અને સસરાને ધંધામાં ખોટ જતાં આ મકાન વેચવાની જાહેરાત આપી હતી.જેને આધારે ગોવિંદ ઉર્ફે ગોવા વરોતરિયા સાથે પરિચય થયો હતો.
ગોવિંદભાઇએ વર્ષ-૨૦૧૬માં મકાનનો રૃ.૯૭ લાખમાં સોદો નક્કી કરી રૃ.૩.૪૫ લાખ બેન્ક ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા.જેથી તેમના પર ભરોસો બેસતાં ગોવિંદભાઇના પત્નીના નામે દસ્તાવેજ કરવામાં આવ્યો હતો.ત્યારબાદ તેમણે રૃ.૭૦ લાખની લોન પણ લીધી હતી.પરંતુ અમને કોઇ રકમ ચૂકવી નહતી.બેન્કને પણ રકમ નહિં ચૂકવતાં મકાનનો કબજો લઇ લીધો હતો.આમ,ગોવિંદભાઇ અને તેમના પત્નીએ અમારી સાથે રૃ.૯૩.૫૫ લાખની છેતરપિંડી કરી છે.અકોટા પોલીસે બંને સામે ગુનો નોંધ્યો છે.