ભાયલીમાં ફોર્ચ્યુન ઇમ્પિરિયાની ક્રેનની ટ્રોલી શ્રમજીવી પર પડવાના બનાવમાં FSLની મદદ લીધી

Updated: Sep 30th, 2023


Google NewsGoogle News
ભાયલીમાં ફોર્ચ્યુન ઇમ્પિરિયાની ક્રેનની ટ્રોલી શ્રમજીવી પર પડવાના બનાવમાં FSLની મદદ લીધી 1 - image

વડોદરાઃ ભાયલી રોડ પર નિલામ્બર સર્કલ પાસે નવી બની રહેલી સાઇટ પર ક્રેનની ટ્રોલી તૂટી પડતાં શ્રમજીવીનું મોત નીપજવાના બનાવમાં ગોત્રી પોલીસે ફોરેન્સિક નિષ્ણાતોની મદદ લીધી છે.

ફોર્ચ્યુન ઇમ્પિરિયા-૨ નામની બની રહેલી સાઇટ પર ગઇ કાલે સાંજે પથ્થરો ભરેલી આશરે ૫૦૦ કિલો વજન સાથેની ટ્રોલી ૨૨ મીટરની ઉંચાઇએથી તૂટી પડતાં નીચે ઉભેલા સરદાર ડુંડવા નામના શ્રમજીવી યુવકનું તેની પત્નીની સામે જ મોત થયું હતું.

ગોત્રી પોલીસે આ બનાવ અંગે અકસ્માત મોતનો ગુનો નોંધી મરનારના સબંધીઓના નિવેદનો લીધા હતા.જ્યારે,બનાવના સ્થળના સીસીટીવી ફૂટેજ પણ મળી આવ્યા છે.જેમાં પહેલાં શ્રમજીવી યુવક થોડો દૂર દેખાય છે અને ટ્રોલી ઉપર ગયા બાદ આગળ આવતો નજરે પડે છે.માંડ છ-આઠ ડગલાં ભર્યા હશે ત્યાંજ ટ્રોલી તેના પર પડતી દેખાય છે.

પીએસઆઇ વીએમ નમસાએ બિલ્ડર કે કોન્ટ્રાક્ટરની બેદરકારી નક્કી કરવા અને સેફ્ટીના નિયમોનો ભંગ થયો છે કે કેમ તેની માહિતી મેળવવા આજે ફોરેન્સિક નિષ્ણાતોની મદદ લીધી હતી.ટ્રોલી,ક્રેન અને કેબલની તપાસ માટે સેફ્ટી ઓફિસરની પણ મદદ લેવામાં આવનાર છે.જ્યારે બિલ્ડર, કોન્ટ્રાક્ટર,ક્રેન ઓપરેટર,સાઇટ સુપરવાઇઝર સહિતના લોકોની પણ પૂછપરછ કરવામાં આવનાર છે.


Google NewsGoogle News