વડોદરાના બાપોદમાં અતુલ સોસાયટીની આજુબાજુના ગેરકાયદે દબાણ તોડવાની માંગ સાથે સ્થાનિક રહીશોનો મોરચો
Vadodara News : રાજકોટમાં થયેલા અગ્નિકાંડ બાદ રાજ્યભરમાં ફાયર સેફટીના સાધનોને લઈને અનોખી જાગૃતિ જોવા મળી રહી છે. ત્યારે હવે સોસાયટીઓના આંતરિક રસ્તાઓ પર કરવામાં આવેલા દબાણને લઈને પણ નાગરિકો અવાજ ઉઠાવી રહ્યા છે. જેમાં આજે બાપોદ વિસ્તારની અતુલ કો.ઓપરેટિવ હાઉસિંગ સોસાયટીના રહીશોએ સોસાયટીના પ્રવેશ રસ્તાઓ ઉપર થયેલા દબાણો અંગે રજૂઆતો કરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા શહેરના બાપોદ વિસ્તારમાં અતુલ કો.ઓપરેટિવ હાઉસિંગ સોસાયટી વર્ષ 1965 થી સ્થાપિત થયેલી છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ સોસાયટીમાં શરૂઆતમાં પ્રવેશ માટે પાંચ રસ્તાઓ હતા. પાંચ અલગ અલગ સ્થાનોથી સોસાયટીમાં પ્રવેશ મેળવી શકાતો હતો. જો કે સમય જતા આ તમામ રસ્તાઓ પર દબાણો ઊભા કરી દેવામાં આવ્યા છે. સોસાયટીની પાણીની લાઈનો તેમજ ડ્રેનેજ લાઈન ઉપર પણ ગેરકાયદેસર બાંધકામ ખડકી દેવામાં આવ્યા છે. જેના કારણે સોસાયટીમાં રહેતા રહીશોને અવરજવરમાં ભારે હાલાકીનો સામનો પડી રહ્યો છે. રાજકોટના અગ્નિકાંડ જેવી કોઈ મોટી ઘટના બને તો સોસાયટીમાં એક એમ્બ્યુલન્સ પણ પ્રવેશી શકે તેવી સ્થિતિ નથી. જેને લઈને આજે સ્થાનિક રહીશોએ પાલિકા તંત્ર સામે વિરોધ વ્યક્ત કર્યો હતો.
સ્થાનિકોએ જણાવ્યું હતું કે, વારંવાર સોસાયટીની આસપાસના ગેરકાયદેસર દબાણો અંગે પાલિકા તંત્રને લેખિતમાં રજૂઆતો કરવામાં આવી છે. તેમ છતાં પણ પાલિકા દ્વારા આ દબાણો દૂર કરવામાં આવતા નથી. સોસાયટીમાં એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડનો પ્રવેશ ન થઈ શકે એટલી હદે દબાણો ઊભા કરી દીધા છે. જેના કારણે રહીશોમાં હવે ભારે રોષ જોવા મળી રહ્યો છે.