રૃપિયા એક્સચેન્જના બહાને મિત્રને ચપ્પુના ઘા મારી રોકડની લૂંટ
મારા પિતાની સાઇટ છે કહી મળવા માટે લઇ જવાના બહાને રોકડ લૂંટીને ફરાર
વડોદરા, તા.5 રૃપિયા એક્સેચેન્જ કરવાના બહાને વડોદરાનો એક યુવાન તેના મિત્રની સાથે એક્ટિવા લઇને નીકળ્યા બાદ જરોદ-વાઘોડિયારોડ પર મિત્રએ યુવાન પર તિક્ષ્ણ હથિયારના ઘા મારી પોણા બે લાખની રોકડ મૂકેલ થેલો લઇને ફરાર થઇ ગયો હતો.
શહેરના સમા-સાવલીરોડ પર આવેલ સત્યમનગરમાં રહેતા જય ઉર્ફે જતિન રાજેશભાઇ પરમારે વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં જય યોગેશ પરમાર (રહે.અરિહંત સોસાયટી, હરણી-વારસિયારિંગરોડ) સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે હું ખાનગી કંપનીમાં ઓનલાઇન કામ કરું છું. મારી એક મિત્ર દ્વારા જય પરમાર સાથે મિત્રતા થઇ હતી. જયનો થોડા દિવસો પહેલાં મારા પર ફોન આવ્યો હતો અને તેણે જણાવેલ કે અગાઉ રૃપિયામાંથી ડોલર અને ડોલરમાંથી રૃપિયા એક્સચેન્જ કરવા બાબતે વાત થઇ હતી તે બોલું છું.
જયે જણાવેલ કે મારા પિતાની વાઘોડિયાથી જરોદ જતા રોડ પર નવી બનતી સિધ્ધેશ્વર નામની મકાન બાંધકામની સાઇટ છે. મારા પિતાને હું રૃા.૨ લાખ તેમજ તમો રૃા.૨ લાખ આપશો તો કુલ રૃા.૨૨ લાખ એક્સચેન્જ થઇને પરત મળશે. તેની વાતમાં હું આવી ગયો હતો અને પોણા બે લાખ રૃપિયા જેટલી રકમ ભેગી કરી હું મારા ભાઇ સાથે સંગમ ચાર રસ્તા પાસે તેને મળવા ગયો હતો. જયે આવીને જણાવેલ કે આપણે મારા પિતાને મળવા જવાનું છે પરંતુ મારી પાસે હાલ કોઇ વાહનની વ્યવસ્થા નથી જેથી તું તારી એક્ટિવા લઇ લે મેં તૈયારી બતાવતા અમે બંને જરોદ-વાઘોડિયારોડ પર અમરતપુરા ગામની સીમમાં પહોંચ્યા ત્યારે જયે પગમાં ખાલી ચડી ગઇ છે તેમ કહી એક્ટિવા રોકાવ્યું હતું અને બાદમાં જયે પાછળથી મારું મોઢું દબાવી ધારદાર હથિયારથી ગળા અને હોઠ પર ઘા મારી ઇજા કરતાં હું વરસાદી કાંસની બાજુમાં પડી ગયો હતો. બાદમાં જયે એક્ટિવા પરથી રોકડ મૂકેલ થેલો લઇને ફરાર થઇ ગયો હતો.