સયાજી હોસ્પિટલમાં દર્દીઓના કેસ અને સગાના પાસ માટે કોમન વિન્ડોના કારણે ઘર્ષણ
કેસ બારી પર ફરજ બજાવતા સ્ટાફ સાથે અવાર - નવાર રકઝક થાય છે
વડોદરા, સયાજી હોસ્પિટલમાં દર્દીઓ અને તેમના સગાને રહેવા માટેના ઈમરજન્સી અને ઓપીડી વિભાગની કેસ બારી ઉપરથી જ ઇશ્યૂ થતા હોઇ લાંબી લાઈનો લાગી રહી છ. જેના પરિણામે અવાર - નવાર હોસ્પિટલના સ્ટાફ સાથે ઘર્ષણ થઇ રહ્યું છે.
સયાજી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થતા દર્દીઓના સગાઓની ભીડને નિયંત્રિત કરવા માટે તંત્ર દ્વારા પાસ સિસ્ટમ શરૃ કરવામાં આવી છે. તે મુજબ, દર્દી સાથે બે સગા રહી શકે છે. પરંતુ, આ પાસ ઓપીડી અને ઈમરજન્સી કેસની વિન્ડો પરથી જ ઇશ્યૂ થતા હોવાથી સગાની સાથે દર્દીઓને પણ કેસ કઢાવવા માટે લાંબી લાઈનમાં ઉભા રહેવાનો વારો આવે છે. આ અંગે કેસ બારી પર ફરજ બજાવતા સ્ટાફે અધિકારીઓનું ધ્યાન પણ દોર્યુ હતું. તેમ છતા પણ કોઈ ઉકેલ આવ્યો નથી. તેના કારણે સ્ટાફ સાથે દર્દીઓ અને તેમના સગાને અવાર - નવાર ઘર્ષણ થઇ રહ્યું છે. ઈમરજન્સી વિભાગ દર્દીઓને તુરંત સારવાર મળી રહે તે માટે છે. પરંતુ, આવી પરિસ્થિતિના કારણે દર્દીઓને હવે કેસ કઢાવવા માટે લાંબા સમય સુધી રાહ જોવી પડે છે. જોકે, સગાઓને ઇશ્યૂ કરવામાં આવતા પાસ હજી ચેક કરવાનું શરૃ થયું નથી.