Get The App

વયોવૃધ્ધ મતદારોને પોતાનીકારમાં યુવાન મતદાન માટે મફત લઇ જશે

જરૃરિયાતમંદ બોર્ડ પરીક્ષાર્થીઓને પણ શૈલેષભાઇ પોતાના વાહનમાં મફત પરીક્ષા માટે લઇ જાય છે

Updated: Apr 23rd, 2024


Google NewsGoogle News
વયોવૃધ્ધ મતદારોને પોતાનીકારમાં યુવાન મતદાન માટે મફત લઇ જશે 1 - image

વડોદરા, તા.૨૩ વડોદરા લોકસભા બેઠકની ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે શહેરના એક યુવાને વૃદ્ધ મતદારોને મતદાન મથક સુધી લઈ જવાની જવાબદારી ઉપાડી છે.  શૈલેષ મહીસુરી આવા મતદારોને તેમના ઘરેથી પોતાની કારમાં મતદાન માટે મતદાન મથક સુધી લઈ જશે અને મતદાન કર્યા બાદ તેમને તેમના ઘરે પાછા મૂકી જશે. આ સેવા મફત હશે અને તેનો એકમાત્ર ઉદ્દેશ લોકોને મતદાન કરવા પ્રેરિત કરવાનો છે.

શૈલેષે વર્ષ -૨૦૨૨ની વિધાનસભા ચૂંટણીમાં આ સેવા શરૃ કરી હતી અને પહેલા જ વર્ષમાં ૩૫ વૃદ્ધ મતદારોને આવી સેવા પૂરી પાડી હતી. લોકસભા ચૂંટણીમાં પણ આ સેવા ચાલુ રાખશે અને લોકોને તેમનો સંપર્ક કરવા અપીલ કરી છે. ચૂંટણીમાં ઓછું મતદાન થવાનું કારણ જણાવતાં શૈલેષભાઈ કહે છે કે, વયોવૃદ્ધ નાગરિકો સામાન્ય રીતે મતદાન માટે જવાનું ટાળે છે કારણ કે તેઓ ઓટો રિક્ષાની અંદર મુસાફરી કરવામાં આરામદાયક નથી હોતા. મેં આવા વૃદ્ધ મતદારોને મારી પોતાની કારમાં મતદાન મથક સુધી લઈ જવાનું નક્કી કર્યું જેથી કરીને કોઈ તેમના અધિકારોથી વંચિત ન રહે અને આ ચૂંટણીમાં પણ મતદાનની ટકાવારી વધારવામાં મદદરૃપ થાય.

ઉલ્લેખનીય છે કે છેલ્લા ચાર વર્ષથી તેઓ ધો.૧૦ અને ૧૨ના જરૃરિયાતમંદ બોર્ડના વિદ્યાર્થીઓને મફત પરિવહન સેવા આપી રહ્યા છે અને તેઓ પરીક્ષા કેન્દ્રો પર સમયસર પહોંચે તે સુનિશ્ચિત કરે છે.        શૈલેષભાઈ તેમની સામાજિક જવાબદારીના ભાગરૃપે આ મફત સેવા આપી રહ્યા છે.




Google NewsGoogle News