વડોદરા એફઆરસીને ૨૬૬ સ્કૂલોની ફી નક્કી કરવામાં આખુ વર્ષ નીકળી જશે

Updated: Aug 21st, 2024


Google NewsGoogle News
વડોદરા એફઆરસીને ૨૬૬ સ્કૂલોની ફી નક્કી કરવામાં આખુ વર્ષ નીકળી જશે 1 - image

વડોદરાઃ વડોદરા ઝોનની એફઆરસી(ફી રેગ્યુલેશન કમિટિ)ના પાંચ સભ્યોની ખાલી પડેલી જગ્યાઓ પર સરકારે તા.૨૯ જુલાઈના રોજ નિમણૂક કરી હતી.આ સભ્યોએ તા.૧ ઓગસ્ટથી જ સ્કૂલોની ફી નક્કી કરવાની કામગીરી શરુ કરી દીધી છે.

જોકે સૂત્રોનું કહેવું છે કે, સરકારે નિયુક્તિમાં કરેલા વિલંબના કારણે એફઆરસીનુ શિડયુલ ખોરવાઈ ગયું છે.વડોદરા ઝોન હેઠળના વડોદરા સહિતના સાત જિલ્લાઓની કુલ મળીને ૨૬૬ જેટલી સ્કૂલોની આગામી ત્રણ વર્ષ માટેની ફી નક્કી કરવાની છે અને કમિટિના સભ્યોની નિમણૂક મોડે-મોડેથી થઈ હોવાથી હવે તમામ સ્કૂલોની ફી નક્કી કરવામાં આખુ વર્ષ નીકળી જશે.જે સ્કૂલોની ફી નક્કી કરવાની છે તેમાં પણ ૧૫૦ જેટલી સ્કૂલો તો વડોદરાની જ છે.

કમિટિના સભ્યોે પણ આ બાબતનો ખ્યાલ આવી ગયો છે અને તેના કારણે તેમણે પણ પ્રારંભિક તબક્કે તો ઝડપ દાખવી છે.અત્યાર સુધીમાં નવી એફઆરસીની આઠ બેઠકો મળી ચૂકી છે અને તેમાં ૧૧ સ્કૂલોની સુનાવણી થઈ છે.જોકે હજી સુધી એક પણ સ્કૂલની ફી નક્કી થઈ શકી નથી.કારણકે નિયમ પ્રમાણે સ્કૂલોને પણ સુનાવણી માટે સમય આપવાનો રહે છે.

એફઆરસીમાં ચેરમેન તરીકે નિવૃત્ત પ્રિન્સિપલ ડિસ્ટ્રિકટ જજ મહમ્મદહનીફ સિંધી તથા સભ્યો તરીકે શાળા સંચાલક મંડળની કેટેગરીમાં  ધર્મેન્દ્રસિંહ રાજપૂત તથા અન્ય સભ્યો તરીકે જયેશ પટેલ, સિવિલ એન્જિનિયર ઈન્દ્રજીત પટેલ તથા સીએ કૃણાલ બ્રહ્મભટ્ટની નિમણૂંક કરાઈ છે.

ફી નક્કી કરતા પહેલા એફઆરસી સ્કૂલોની મુલાકાત લે

એફઆરસીના નવા નિયુક્ત સભ્યોની વડોદરા વાલી મંડળના હોદ્દેદારોએ મુલાકાત લઈને રજૂઆત કરી હતી કે, 

--એફઆરસીના સભ્યો ખાનગી સ્કૂલોની મુલાકાત લઈને ફી નક્કી કરે તે ઈચ્છનીય છે.

--એફઆરસીનો જે ઓર્ડર થાય તે પહેલા સ્કૂલો બેફામ ફી લઈ રહી છે અને આ સ્કૂલોને ફી પાછી આપવાની ફરજ પાડવામાં આવે.

-- શિક્ષકોને આપવામાં આવતો પગાર, તેમની લાયકાત, વાલીઓને અપાતી રિસિપ્ટ તથા સ્કૂલના એકાઉન્ટ, સ્કૂલના ટ્રસ્ટ એકાઉન્ટની ચકાસણી કરવામાં આવે.

--સ્કૂલમાં રમતના મેદાન, લેબોરેટરી, લાઈબ્રેરીની વ્યવસ્થા છે કે નહીં તેની જાણકારી મેળવવામાં આવે.


Google NewsGoogle News