ભેજાબાજના નિશાને ભાજપના ધારાસભ્ય : વડોદરા શહેરના બે ધારાસભ્યો બોગસ ફેસબુક એકાઉન્ટ બન્યા
Vadodara BJP MLA Bogus Account : વડોદરા શહેરના ભાજપના બે ધારાસભ્યોના બોગસ ફેસબુક એકાઉન્ટ બન્યા હોવાનું સામે આવ્યું છે. બંને ધારાસભ્યો દ્વારા તેમના ઓરીજીનલ એકાઉન્ટ થકી જણાવ્યું છે કે, બોગસ એકાઉન્ટ જોડે કોઇ પણ વ્યવહાર કરવો નહી. સાથે જ બોગસ એકાઉન્ટને રિપોર્ટ કરવા માટે જણાવ્યું છે.
વડોદરામાં અગાઉ પણ રાજકીય નેતાઓના બોગસ એકાઉન્ટ બન્યાની ઘટના સામે આવી ચુકી છે. વડોદરાના વાડી બેઠક પરથી ભાજપના મહિલા ધારાસભ્ય મનીષાબેન વકીલ ચૂંટાઇને આવ્યા છે. તેઓ અગાઉ રાજ્ય સરકારના મંત્રી રહી ચુક્યા છે. એવી જ રીતે, શહેરની સયાજીગંજ વિધાનસભા બેઠક પર ભાજપના કેયુર રોકડિયા ચૂંટાઇને આવ્યા છે. વિતેલા 12 કલાકમાં બંને ધારાસભ્યો દ્વારા પોતાના ઓફિશીયલ સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી બોગસ ફેસબુક એકાઉન્ટ બન્યા હોવાની જાણકારી આપવામાં આવી છે અને તેના સ્ક્રિનશોટ પણ શેર કરવામાં આવ્યા છે.
બંને ધારાસભ્યો દ્વારા તેમના નામે ખોલવામાં આવેલા બોગસ સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી કોઇ પણ રિકવેસ્ટનો સ્વિકાર નહી કરવા તથા કોઇ પ્રકારનો વ્યવહાર નહિ કરવા માટેની વિનંતી કરી છે. સાથે જ બંને દ્વારા બોગસ સોશિયલ મીડિયા એકાઉન્ટને વધુમાં વધુ રિપોર્ટ કરવા અને કરાવવા માટે લોકોને જણાવ્યું છે.
સાયબર એક્સપર્ટ મયુર ભુસાવળકર જણાવે છે કે, નેતાઓ સામાન્ય રીતે સોશિયલ મીડિયા થકી પોતાના વિસ્તારના લોકોના સંપર્કમાં રહે છે. માહિતીની આપ-લે કરવા માટેનું સોશિયલ મીડિયા મોટું માધ્યન બન્યું છે. ત્યારે નેતાઓની લોકપ્રિયતાનો ફાયદો ઉઠાવવા માટે ગઠિયાઓ આવું કૃત્ય કરતા રહે છે. નેતાઓના ફોટા સહિતની તમામ વિગતો ઓનલાઇન મળી શકવાથી તેમની સોશિયલ મીડિયા પ્રોફાઇલ બનાવવી સૌથી સરળ રહે છે. બીજી વાત એ પણ છે કે નેતાઓ પબ્લીક વચ્ચે હોવાથી તેમના નામનો ખોટો ફાયદો લેવાના પ્રયાસો પણ જલ્દીથી ઓળખી કઢાય છે.
મહત્વની વાત ઉમેરતા સાયબર એક્સપર્ટ મયુર ભુસાવળકર જણાવે છે કે, નેતાઓએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ માટે બ્લુ ટીક મેળવી લેવું જોઇએ. જો તેમ કરવામાં આવે તો લોકો માટે અસલી અને નકલીનો ફરક સમજવો આસાન થઇ જશે. અત્રે ઉલ્લેખનીય છે કે, વડોદરામાં નેતાઓના બોગસ સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવીને ઝાંસામાં લેવાનો પ્રયાસ કરવાની આ કોઇ પહેલી ઘટના નથી. વડોદરાના નેતાઓ, પોલીસ અધિકારીઓના નામે બોગસ એકાઉન્ટ બનાવીને તેમના નામે ફાયદો લેવાના પ્રયાસો સામે આવી ચુક્યા છે. પરંતુ આ અંગે સમયસર સાચી માહિતી સામે આવતા ગઠિયાઓ ફાવ્યા નથી.