દંપતીનું બે પુત્રીઓ સાથે લંડન જવાનું સ્વપ્ન અધુરું રહ્યું યુકે મોકલવાના બહાને ભેજાબાજે એકાઉન્ટન્ટના રૃા.૩૩.૪૮ લાખ પડાવ્યા

યુકેના મોકલેલા લેટરોની ઓનલાઇન ખરાઇ કરતા બોગસ નીકળ્યા ઃ શાલીમારપાર્ક સો.ના ભેજાબાજ સામે ગુનો

Updated: Jun 26th, 2024


Google NewsGoogle News
દંપતીનું બે પુત્રીઓ સાથે લંડન જવાનું સ્વપ્ન અધુરું રહ્યું  યુકે મોકલવાના બહાને ભેજાબાજે એકાઉન્ટન્ટના રૃા.૩૩.૪૮ લાખ પડાવ્યા 1 - image

વડોદરા, તા.25 યુકેના વિઝા અપાવવાની લાલચ આપી ભેજાબાજે રૃા.૩૩.૪૮ લાખ પડાવી લીધા બાદ વિઝા પ્રોસેસના નામે ગોળગોળ ફેરવી ન્યુવીઆઇપીરોડના એકાઉન્ટન્ટ સાથે છેતરપિંડી કરી હતી.

ન્યુવીઆઇપીરોડ પર દર્શનપાર્ક સોસાયટીમાં રહેતા જતીન સુરેશભાઇ પવારે આજવારોડ કિશનવાડીરોડ પરની શાલીમારપાર્ક સોસાયટીમાં રહેતા ધૈર્ય યોગેશકુમાર નારોટે સામે બાપોદ પોલીસ સ્ટેશનમાં નોધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે હું ખાનગી કંપનીમાં સિનિયર એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરું છું જ્યારે મારી પત્ની પણ ખાનગી કંપનીમાં ડેટા એનાલિસિસ તરીકે જોબ કરે છે. મારે સંતાનમાં બે જોડિયા પુત્રી છે.

માંજલપુરમાં રહેતા મિત્ર અમિત વિજય ગુલરાજાણી મારફતે મારો સંપર્ક ધૈર્ય સાથે થયો હતો તે સમયે ધૈર્યએ હું વિઝા કન્સલ્ટન્સીનું કામ કરું છું ત્રણ માસમાં ત્રણ લોકોને યુકે લીગલી કામ કરી મોકલ્યા છે તેમ કહેતાં હું તેની વાતોમાં આવી ગયો હતો અને તેને વાત કરતાં ધૈર્યએ જણાવેલ કે તમારા યુકેના વર્ક પરમિટ વિઝા અપાવીશ જેમાં તમારી પત્ની અને બે બાળકોના પણ ડિપેન્ડેડ વિઝા મળશે. જેનો કુલ ખર્ચ રૃા.૩૩ લાખ થશે. ધૈર્ય અને હું મરાઠી હોવાથી હું તેની વાતમાં આવી ગયો હતો. 

બાદમાં મેં મારા એકાઉન્ટમાંથી તેમજ પર્સનલ લોન લઇને ધૈર્યના એકાઉન્ટમાં કુલ રૃા.૩૩.૪૮ લાખ મોકલ્યા હતાં. તેણે મને નેશનલ એકેડેમિક રેકગ્નીશન ઇન્ફર્મેશન સેન્ટર જેમાં ભારતના સ્ટડીના સર્ટિફિકેટ યુકેથી વેરિફાઇ થયા હોવાનો લેટર મોકલ્યો હતો બાદમાં સર્ટિફિકેટ ઓફ સ્પોન્સરશીપ લેટર પણ મોકલ્યો હતો. અને વિઝા કન્સલ્ટન્સી માટે અમદાવાદ જવાનું છે તેમ કહ્યા બાદ વારંવાર બહાના બતાવતો હતો. આખરે ધૈર્યએ મારો તેમજ મારા ફેમિલીના મોબાઇલ નંબર બ્લોક કરી દીધા હતાં. એટલું જ નહી પરંતું તેણે મોકલેલા લેટરોની ઓનલાઇન ખરાઇ કરતાં તે બોગસ હોવાનું જાણવા મળ્યું હતું.




Google NewsGoogle News