એન.આર.આઇ.ની ઓળખ આપી જ્વેલર સાથે પોણા ત્રણ લાખની ઠગાઇ
કેનેડામાં ચાલતી એપ્લિકેશન મારફતે પેમેન્ટ કર્યુ હોવાનું જણાવી દાગીના ખરીદી ફરાર
વડોદરા,જ્વેલર્સની દુકાન પરથી સોનાના દાગીના ખરીદી એન.આર.આઇ.ની ઓળખ આપી ૨.૭૩ લાખ પડાવી લઇ છેતરપિંડી કરી ફરાર થઇ જનાર બે ભેજાબાજ સામે લક્ષ્મીપુરા પોલીસે ગુનો દાખલ કરી શોધખોળ હાથ ધરી છે.
ભાયલી કિશન ગેલેક્સીમાં રહેતા સંજય પરસોત્તમભાઇ પટેલની સરદાર પટેલ હાઇટ્સની બાજુમાં બાલાજી નગર રોડ પર ભવાની જ્વેલર્સ નામની દુકાન છે. લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગત તા.૨૮ મી ફેબુ્રઆરીએ હું અને મારો દીકરો મારી દુકાને હતા. તે દરમિયાન એક ગ્રાહક મારી દુકાને આવ્યા હતા. તેેણે જણાવ્યું હતું કે, મારૃં નામ અંકિત ઉર્ફે ચાંદ ( રહે. સુરભી પાર્ક) છે. મને અક્ષર જાની તરીકે બધા ઓળખે છે. હું કેનેડા રહું છું. હાલમાં ભારત આવ્યો છું. ત્યારબાદ તેણે મારી દુકાનેથી સોનાની ત્રણ વીંટી, સોનાની બે ચેન જેનું વજન ૪૧.૨૦૦ ગ્રામ કિંમત રૃપિયા ૨.૯૮ લાખની લીધી હતી. પોતે કેનેડામાં ચાલતી રેમિપ્લાય એપ્લિકેશનથી પેમેન્ટ કરી જણાવ્યું હતું કે, થોડા સમયમંા તમારા એકાઉન્ટમાં પૈસા આવી જશે. પંરતુ, ઘણા સમય પછી પણ પેમેન્ટ નહીં આવતા અમે તેઓને ફોન કરતા વાયદા કર્યા પછી ૨૫ હજાર ગૂગલ પે થી ટ્રાન્સફર કર્યા હતા. પરંતુ, ૨.૭૩ લાખ આપ્યા નહતા. અમે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, અક્ષર જાની નામનો કોઇ વ્યક્તિ નથી. પરંતુ, કોઇ આકાશ દિનેશચંદ્ર જાની ( રહે. વિઠ્ઠલ ધામ સોસાયટી, વિશ્વામિત્રી રોડ) તથા તેની સાથે આવેલી વ્યક્તિનું નામ મૌલેશ ગિરીશભાઇ બારોટ (રહે. તારાબાગ સોસાયટી, વિશ્વામિત્રી રોડ) હોવાનું જણાઇ આવ્યું હતું.