વીસીમાં રોકાણ અને સોસાયટીમાં ઇન્વેસ્ટમેન્ટના બહાને સલૂન સંચાલક દ્વારા રૂ.12.20 લાખની ઠગાઈ
Vadodara Fraud Case : હેર કટીંગ સલૂન સંચાલકે વીસી અને સોસાયટી ચાલુ કરી હોવાના ઓઠા તળે મહેનતકશ પરિવારોને કુલ રૂ.12,20,210નો ચૂનો લગાવી છેતરપિંડી કરીને સલુનની દુકાનને ખંભાતી તાળા મારીને રફુ ચક્કર થઈ ગયાની પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
વડોદરા નિઝામપુરાની સ્વામિનારાયણ નગરમાં રહેતા અને હાઉસ ક્લીનિંગ સપ્લાયર નિકેશ ડુંગરભાઇ પરમાર (ઉ.38)એ ફતેગંજ પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, વીએમસી ક્વાર્ટર્સ, છાણી જકાતનાકા પાસે ચોકલેટ સલૂન સંચાલક દેવચંદ્ર બાબુભાઈ વાળંદ પાસે વારંવાર વાળ કપાવવા જતો હતો. સલૂન સંચાલક દેવચંદ્ર વાળંદે અગાઉ જણાવ્યું હતું કે અમે વીસી અને સોસાયટી ચલાવીએ છીએ મારો મોટોભાઈ ભાવિક સોસાયટી માટે ફંડ ઉઘરાવીને ઇન્વેસ્ટમેન્ટ કરે છે. જેમાં પ્રતિમાસ રૂ.1000 ભરવાથી 12 મહિનાના અંતે રૂ.10 થી 15 હજાર વધુ મળતા હોવાનો વિશ્વાસ આપ્યો હતો. જેથી હાઉસ ક્લીનિંગ સપ્લાયરે શરૂઆતમાં પ્રતિમાસ નિયમિત રૂપિયા 18 હજાર ભરવા માંડ્યા હતા. ફેબ્રુઆરી '22થી ડિસેમ્બર '23 સુધીમાં કુલ મળીને 3,98,710 રૂપિયા હેર કટીંગ સંચાલક દેવચંદ્રને આપ્યા હતા. જોકે આ અંગે દેવચંદ્રએ કોઈપણ જાતની પાવતી આપી ન હતી. પરંતુ ત્યારબાદ નાણાં પરત માંગતા વાળંદે રૂપિયા 3,000 આપ્યા હતા. પરંતુ બાદમાં મોબાઈલ ફોન સ્વીચ ઓફ કરી દુકાનને ખંભાતી તાળા મારી દીધા હોવાની નિકેશ પરમારને જાણ થઈ હતી.
આ અંગે ધનરાજ દિલીપ મકવાણા (એકતા નગર છાણી જકાતનાકા) પાસેથી રૂપિયા 2,62,360 અને દિપક રામેશ્વર કુરમી (સ્વામિનારાયણ નગર, નિઝામપુરા) પાસેથી રૂપિયા 1,24,785 પણ સોસાયટી ફંડમાં અને વીસીમાં રોકાણ કરવાના બહાને કુલ મળીને રૂપિયા 12,20,210 દેવચંદ્ર વાળંદે પડાવી લઈ છેતરપિંડી કરી દુકાને ખંભાતી તારા મારીને રફુચક્કર થઈ ગયો હોવાની ફરિયાદ અંગે ફતેગંજ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.