વડોદરાની કંપનીમાંથી માલ ખરીદી પેમેન્ટ નહીં કરી પાંચ લાખની છેતરપિંડી
- કંપનીમાંથી 5.90 લાખનો માલ ખરીદી 5 લાખ નહીં ચૂકવી છેતરપિંડી કરનાર આરોપી સામે ગોત્રી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
વડોદરા,તા.22 ડિસેમ્બર 2023,શુક્રવાર
વડોદરામાં તાંદલજા મુજમ મિલ પાર્ક સોસાયટીમાં રહેતા આસિફ અલી સૈયદ આરકોન કોનકેમ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં ડાયરેક્ટર તરીકે કામ કરે છે. ગોત્રી પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવી છે કે અમારો આર.એનડી.માં મેન્યુફેક્ચરિંગ કરવાનું કામ છે. ફેબ્રુઆરી મહિનામાં અમારી કંપનીના મેલ તથા વોટ્સએપ પર ગ્રે શેડ ઇન્ફ્રા બિલ્ડ એલ.એલ.પી રેડી મિક્સ કોનક્ષરેટ કંપની નવસારીના નામથી ઓર્ડર આવ્યો હતો. જેમાં એડમ મિક્સર 10 ટનનો ઓર્ડર હતો. જીએસટી સાથે તેનો ભાવ 5.9 લાખ થયો હતો જેનું બિલ અમે આપ્યું હતું. 45 દિવસમાં પૈસા આપવાનો વાયદો કર્યો હતો. અંકિત શાહે અમારી કંપનીના એકાઉન્ટમાં 10,000 ઓનલાઈન ભર્યા હતા અને ત્યારબાદ 80,000 ચેકથી આપ્યા હતા.
ત્યારબાદ તેઓને ફોન કરતા જણાવતા હતા કે તમારા કંપનીનો કેમિકલ ખરાબ છે. અમે તેઓને કહ્યું હતું કે કેમિકલ ખરાબ છે તો પરત મોકલી આપો... ત્યારબાદ અમારી કંપનીના કર્મચારીઓ સોહીલ પઠાણ તથા સાકિર પીરજાદાને પૈસા લેવા મોકલ્યા હતા પરંતુ તેઓને ગાળો બોલી ધક્કા મારી કાઢી મૂક્યા હતા અને અમે પૈસાની માગણી કરીએ તો ધમકીઓ આપે છે. તપાસ કરતા અમને જાણવા મળ્યું હતું કે અંકિત શાહને સુરત ખાતે પણ માલ ખરીદીને પૈસા આપ્યા નથી. અવાર-નવાર કંપનીના નામ બદલી નાખી માલ ખરીદી પૈસા આપતો નથી. જેથી પોલીસે અંકિત મહેન્દ્રભાઈ શાહ રહેવાસી નવસારીની સામે પાંચ લાખની છેતરપિંડીની ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.